Site icon Gujarat Mirror

કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભ

સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ) સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે મંગળવારે સવારે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજીના શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી દ્વારા રથનું પૂજન કરવામાં આવ્યું. દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના પ્રમુખ, દેવસ્થાન સમિતિ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા રથનો સત્કાર કરવામાં આવ્યો હતો.
અયોધ્યામાં રામ જન્મભૂમિ બાદ હવે કૃષ્ણની જન્મભૂમિ મથુરામાં કૃષ્ણનું ભવ્ય મંદિર બને અને ત્યાં અનેક અતિક્રમણો દૂર કરી ભવ્ય કૃષ્ણ મંદિર બનાવવા કૃષ્ણ પ્રેમીઓની માંગ લઇ આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સંયુક્ત ભારત ધર્મ સંસદના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ પ્રસિદ્ધ કથા વાચક પૂજ્ય રાજેશ્વરજીના માર્ગદર્શન હેઠળ તેમજ ડોક્ટર કૈલાશ પરવાલ, ડો. નરેશપુરી મહારાજના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં ભક્તોની સાથે મંગળવારે દ્વારકાના જગત મંદિર પરિસર માંથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રથ તા. 4 માર્ચના રોજ દ્વારકાથી રવાના થઈ ભાટીયા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ રાજસ્થાન હરિયાણા થઈ તા. 23 માર્ચના રોજ મથુરા પહોંચશે.આ રથનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ પર થયેલ અતિક્રમણ દૂર કરી ભવ્ય મંદિર બનાવવાનો છે. આચાર્ય રાજેશ્વરજીના જણાવ્યા મુજબ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં એવી પ્રાર્થના કરી હતી કે આપ દ્વારકામાંથી અમારી સાથે મથુરા આવો, અને આપના જન્મ સ્થળ મથુરામાં ભવ્યાથી ભવ્ય મંદિર બને તેવા આશીર્વાદ મેળવ્યા હતા.

Exit mobile version