ગુજરાત
ખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અરવિંદભાઈ રાણાભાઈ વાઘ નામના 47 વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કજીયો-કંકાસ ચાલી રહ્યા હતા. આ વચ્ચે તેમના પત્ની તેમને છોડીને પોતાના માવતરે જતા રહ્યા હતા.
આ બાબતે અરવિંદભાઈને મનમાં લાગી આવતા તેમણે ગઈકાલે રવિવારે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે વિનયભાઈ દાનાભાઈ વાઘએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામે રહેતા મધુબેન અશ્વિનભાઈ હડીયલ નામના 31 વર્ષના સતવારા મહિલાએ પોતાની માનસિક બીમારીથી કંટાળીને તા. 20 નવેમ્બરના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેના કારણે તેમની તબિયત સુધરી ગઈ હતી અને તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા.
આ પછી તા. 27 નવેમ્બરના રોજ તેમની તબિયત પુન: લથડતાં તેણીને વધુ સારવાર અર્થ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અશ્વિનભાઈ નરશીભાઈ હડીયલએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ટાઉનશીપ ખાતે રહેતા સાંગાભા પ્રાચાર્યભા જામ નામના 20 વર્ષના યુવાન તેમના દત્તક લીધેલા પિતા સાથે રહેતા હતા. ત્યારે તેમના મૂળ પિતા એવા આરોપી ભીખુભા સાંગાભા જામ (રહે. આરંભડા – ગાયત્રીનગર) એ ફરિયાદી સાંગાભાના દાદી પાસે આવી અને પોતાનો દીકરો મને પાછો આપી દો તેમ કહેતા દાદીએ ના પાડી હતી. જેથી ભીખુભાએ ફરિયાદી સાંગાભાના દાદીને ગાળો આપતા તેઓ વચ્ચે પડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા ભીખુભાએ સાંગાભાને ફડાકા ઝીંકી, લાકડી વડે માર મારતા તમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.