ક્રાઇમ
ખાખી ફરી શર્મસાર, વિદેશથી આવેલ દંપતીને લૂંટયું
અમદાવાદ એરપોર્ટથી ઉતરતા જ ધમકાવી વિદેશી દારૂની બોટલો, રોકડ અને ડોલર પડાવી લીધા
અમદાવાદ શહેરમાં આશરે 8 મહિના પહેલા સોલા પોલીસ સ્ટેશના પોલીસકર્મીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી પરત ફરી રહેલા એક વ્યક્તિને ધમકાવીને તેની પાસેથી નાણાં પડાવ્યાં હતા. આવી જ બીજી ઘટનામાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હીનો યુવક મેચ જોવા આવ્યો તેની પાસેથી પણ નાના ચિલોડા રોડ ખાતે ટ્રાફિક પોલોસે ઓનલાઇન પૈસા પડાવ્યાં હતા. હવે આવી ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં પોલીસકર્મીએ વિદેશથી પરત ફરેલા વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી દારૂૂની 3 બોટલ, 14000 રોકડા અને 400 USD પડાવ્યાં હતા.
5 નવેમ્બરના રોજ વડોદરાનું એક વૃદ્ધ દંપત્તિ વિયેતનામથી પરત ફરી રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતારી ટેક્સી કરીને વડોદરા જવા રવાના થયા હતા. આ લોકો રામોલ રિંગ રોડથી એક્સપ્રેસ હાઇવે પર જવાના હતા, પણ એક્સપ્રેસ હાઇવે પર પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રિંગ રોડ પર અદાણી સર્કલ પાસે રોક્યા હતા.
પોલીસે આ ગાડીમાં ચેકીંગ કર્યું હતું. ચેકીંગમાં વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી વિદેશી દારૂૂની 5 બોટલો મળી આવી હતી, જેનું બિલ પણ તેમની પાસે હતું. આમ છતાં પોલીસે તેમને ધમકી અને કાયદાનો ડર બતાવીને અને ખોટા કેસમાં અંદર કરી દેવાનો ભય ઉભો કરી આ વૃદ્ધ દંપત્તિ પાસેથી પરમીટ વાળી દારૂૂની 3 બોટલ, 14000 રોકડા અને 400 USD પડાવી લીધા હતા.આ ત્રણ પોલીસકર્મીમાં ખુમાનસિંહ, નરપતસિંહ ઉર્ફે અલ્પેશ તેમજ અન્ય એક પોલીસકર્મી સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટના અંગે બે દિવસ બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે તેમને સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી બેસાડી રાખ્યાં હતા અને છેલ્લે કહી દીધું હતું કે તમારે તે દિવસે ફરિયાદ નોંધાવવા આવવાનું હતું, હવે ફરિયાદ કરીને શું કરશો. રામોલ પોલીસ સ્ટેશનમાંથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે પીઆઇ રજા ઉપર હતા આજે જ આવ્યાં છે.