Site icon Gujarat Mirror

15 વર્ષથી ઘરેથી નીકળી ગયેલા કાશીનાં પ્રખર પંડિતનું પરિવાર સાથે મિલન કરાવાયું

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં તબીબોની સરાહનીય કામગીરી

વાહન અકસ્માતમાં ગંભીર રીતે દાખલ દર્દીની સારવાર કરી ભાનમાં લવાયા : પુત્ર અને ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં હોસ્પિટલમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા

રાજકોટની સિવિલ હોસ્પિટલ બેદરકારીના બનાવોને લઇ અવાર-નવાર ચર્ચામાં રહે છે ત્યારે સોમવારે સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સીગ સ્ટાફ્ની દર્દી પ્રત્યેની આત્મીય લાગણી અને પારિવારિક હૂંફને કારણે છેલ્લા 15 વર્ષથી ઘર છોડીને નીકળી ગયેલા કાશીના પ્રખર પંડિતનું પરિવાર સાથે મિલન કરાવવામાં નિમિત્ત બની હતી. છેલ્લા દોઢ માસથી બેભાન હાલતમાં રહેલા દર્દીની સારવાર બાદ તબીબો અને નર્સીગ સ્ટાફે દર્દી ભાનમાં આવતા નામ સરનામું જાણી તેમના પરિવારને જાણ કરતા સોમવારે દર્દીના પુત્ર ગયા હતા અને હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

ગત તા.31માર્ચના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ થયેલા વાસુદેવભાઈ જોશી ઉ.45ને અત્યંત ગંભીર હાલતમાં અજાણ્યા દર્દી તરીકે ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.બેભાન અવસ્થામાં રહેલા આ અજાણ્યા દર્દીને માથામાં હેમરેજ, છાતીની પાંસળી ભાંગી જવાની સાથે બન્ને થાપાના હાડકા ભાંગી ગયા હતા. બીજી તરફ અજાણ્યું પેશન્ટ હોવા છતાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે આત્મીયતા સાથે સઘન સારવાર શરૂૂ કરી જરૂૂરી ઓપરેશન કરી સતત કેર રાખતા અંદાજે દોઢ મહિના બાદ દર્દી ભાનમાં આવતા તબીબી અને નર્સીગ સ્ટાફે તેમની પાસેથી વિગતો જાણવા કોશિશ કરતા તેમનું નામ વાસુદેવભાઈ જોશી હોવાનું અને ઉત્તરાખંડ રાજ્યના ચંપાવત જિલ્લાના કફલાંગ ગામના વતની હોવાનું જણાવ્યું હતું.

ઓર્થોપેડિક વિભાગના તબીબ ડો. શૈલેષ રામાવત, ડો. જય તુરખીયા સહિતના સ્ટાફ દ્વારા દર્દીને હુંફ આપી પુછપરછ કરતાં વાસુદેવભાઈ છેલ્લા 15 વર્ષથી ઘર છોડી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું. તબીબો દ્વારા પોલીસની મદદથી ઉતરાખંડમાં રહેતા તેના પરિવારજનોનો સંપર્ક કરતાં દર્દીના પુત્ર અને ભાઈ તેમને લેવા રાજકોટ દોડી આવ્યા હતાં.

પરિવારજનોના જણાવ્યા મુજબ, વાસુદેવભાઈ એક જમાનામાં કાશીના પ્રખર પંડિત રહી ચુકયા છે અને સંસ્કૃતના પ્રખર જ્ઞાની છે. વાસુદેવભાઈના પુત્રએ જણાવ્યું હતું કે તેઓ નાની ઉંમરના હતાં ત્યારે પિતા ઘર છોડીને ચાલ્યા ગયા હતાં. તેઓ સમજણા થયા પછી પહેલી વખત પિતાને મળતાં પિતા-પુત્રનું મિલન થતાં હોસ્પિટલમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં. સિવિલના તબીબોનો પરિવારજનોએ આભાર વ્યકત કર્યો હતો. બાદમાં વાસુદેવભાઈને હોસ્પિટલમાંથી રજા અપાતાં પરિવાર તેમને લઈ ટ્રેન મારફત ઉતરાખંડ જવા રવાના થયો હતો.

Exit mobile version