Site icon Gujarat Mirror

લાઇવ કોન્સર્ટમાં ચાહકોની ધમાલ-તોડફોડ બાદ કૈલાશ ખેરે પિતો ગુમાવ્યો, તમે પ્રાણી જેવા છો !

ગ્વાલિયરમાં વાજપેયીની જન્મ જયંતિએ યોજાયેલ કાર્યક્રમમાં અફરાતફરી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ ગાયક કૈલાશ ખેરના પર્ફોર્મન્સ દરમિયાન ભારે હોબાળો મચી ગયો. કૈલાશ ખેર તેમના કેટલાક પ્રખ્યાત ગીતો ગાઈ રહ્યા હતા ત્યારે ભીડ ઉશ્કેરાઈ ગઈ. લોકો પહેલા બેરિકેડ તોડીને સ્ટેજ પર ચઢી ગયા અને પછી તેમની નજીક જવા લાગ્યા. આ ઘટનાથી કૈલાશ ખેર ગુસ્સે થયા, જેમણે ભીડના વર્તનની તુલના પ્રાણીઓ સાથે કરી.

ગુસ્સે ભરાયેલા કૈલાશ ખેર સ્ટેજ પરથી કહેતા જોવા મળ્યા, “જો કોઈ અમારી અથવા અમારા સાધનોની નજીક આવશે, તો અમે તરત જ શો બંધ કરી દઈશું. અમે તમારી ખૂબ પ્રશંસા કરી, પરંતુ અત્યારે તમે પ્રાણીઓ જેવું વર્તન કરી રહ્યા છો.” ગાયક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સ્ટેજની નજીક આવીને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અપીલ કરતો પણ જોવા મળ્યો.

જો કે, ભીડને કાબૂમાં લેવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ હાજર ન હતા. યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે, ગાયકે પોતાનું પર્ફોર્મન્સ અટકાવ્યું અને સ્થળ છોડી દીધું.

નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે કૈલાશ ખેરના કોન્સર્ટમાં સુરક્ષામાં ખામી અને ત્યારબાદ હોબાળો થયો હોય. આ વર્ષની શરૂૂઆતમાં, કર્ણાટકમાં એક શો દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે સુરક્ષાના નોંધપાત્ર અભાવ તરફ ઈશારો કરે છે. તે સમયે પ્રેક્ષકોએ તેમના પર બોટલ ફેંકી હતી. જોકે, ગાયકને કોઈ ઈજા થઈ ન હતી અને તેમણે પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

Exit mobile version