Site icon Gujarat Mirror

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : અમૂક વોર્ડોમાં ધ્રુવીકરણ અને મતવિભાજનની પૂરી શક્યતા

વોર્ડ નંબર-1, વોર્ડ નંબર-4, વોર્ડ નંબર-6, વોર્ડ નંબર-12 અને વોર્ડ નંબર-16માં પેનલ તૂટે તો ચોંકાવનારા પરિણામોની શક્યતા

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરના કેટલાક મહત્વપૂર્ણ વોર્ડોમાં રાજકીય પરિસ્થિતિ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 4, 6, 12 અને 16માં કોંગ્રેસ, ભાજપ તેમજ અન્ય પક્ષોની પેનલોમાં આંતરિક અસંતોષ, ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વિતરણને કારણે ધ્રુવીકરણ તથા મતવિભાજનની શક્યતાઓ વધી રહી છે.

વોર્ડ નંબર 1માં કોંગ્રેસ દ્વારા સ્થાનિક દાવેદારોને અવગણીને પક્ષના પ્રમુખને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાથી કેટલાક કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લઘુમતિ વિસ્તારો ધરાવતા આ વોર્ડમાં મતદારોનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે, જેને કારણે ભાજપને લાભ મળવાની ચર્ચા છે. અને પરંપરાગત કોંગ્રેસની પેનલ તૂટે તેવી પૂરી સંભાવના છે. જે હાલના પ્રચાર કાર્ય દરમિયાન જોવા મળી રહ્યું છે.

વોર્ડ નંબર 4માં ભાજપે વરિષ્ઠ નેતાને ઉંમર મર્યાદાને કારણે ટિકિટ ન આપતાં ચારેય ઉમેદવારોમાં ફેરફાર કર્યો છે. પૂર્વ કોર્પોરેટરે પક્ષવિરોધી રીતે અન્ય પક્ષનો સહારો લીધો હોવાને કારણે અહીં ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને બસપા વચ્ચે જંગ જામ્યો છે. આ બોર્ડમાં પણ ભાજપની પેનલ તૂટે તેવી સંભાવના છે અને ભાજપ કોંગ્રેસ અને બસપાના એક એક ઉમેદવારો વિજેતા બની શકે તેવો માહોલ સર્જાયો છે.

વોર્ડ નંબર 6માં ગત ચૂંટણીમાં બસપાથી ઉભેલા ઉમેદવાર આ વખતે કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપે એક જીતેલા ઉમેદવાર સાથે ત્રણ નવા ચહેરાઓ ઉતાર્યા છે, જ્યારે બસપા પણ મેદાનમાં છે, જેથી ત્રિપક્ષીય ટક્કર અને મતવિભાજન જોવા મળી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપના એક ઉમેદવાર જ્યારે બસ પાના ત્રણ ઉમેદવાર જીત્યા હતા, જે સમીકરણ આ વખતે ફરી બદલાશે, અને ત્રિપાખિયા જંગ માં કોણ મેદાન મારી જાય છે, તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 12, જે લઘુમતિ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં કોંગ્રેસમાં આંતરિક વિવાદો ઉગ્ર બન્યા છે. કોંગ્રેસમાંથી છૂટા પડેલા કેટલાક ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જ્યારે ભાજપે પણ પોતાની પેનલ ઉભી રાખી છે. આ પરિસ્થિતિમાં મત વિખેરાવ અને નવા સમીકરણો સર્જાવાની શક્યતા છે. આ વર્ડમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વધારે ખેંચતાણ જોવા મળે છે અને કોંગ્રેસની પરંપરાગતની પેનલ આ વખતે તૂટે તેવી પૂરી સંભાવના છે.

વોર્ડ નંબર 16માં ભાજપના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ પોતાની પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે. ભાજપે પણ નવા ઉમેદવારો સાથે પેનલ ઉભી રાખી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ સબળ ઉમેદવારો ઉતાર્યા છે. પરિણામે અહીં ત્રિપક્ષીય સ્પર્ધા વધુ તીવ્ર બની છે.

પાટીદારોના પ્રભુત્વ વાળા આ વોર્ડમાં કોંગ્રેસ અને ભાજપ તરફથી સક્ષમ પાટીદાર ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી એ પણ પાટીદાર ઉમેદવારને ઉતાર્યા હોવાથી અહીં મતોનું વિભાજન જોવા મળી શકે છે. આ તમામ વોર્ડોમાં ઉમેદવારોની પસંદગી અને પક્ષાંતરોને કારણે પેનલોમાં ભંગાણ, મતદારોમાં ધ્રુવીકરણ અને અનિશ્ચિત પરિણામોની સંભાવનાઓ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. આવનારા દિવસોમાં પ્રચાર જોર પકડતાં આ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.

મતદાન મથકો અને 100 મીટર વિસ્તારનું માર્કિંગ
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઉભા કરવાની પ્રક્રિયા સાથે-સાથે દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું માર્કિંગ કરીને મેંપિંગ તથા ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, જામનગર શહેરના કુલ 16 વોર્ડને આવરી લેતાં ચાર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, અને દરેક ટીમને ચાર-ચાર વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી 100 મીટર સુધીના વિસ્તારમાં માપણી કરીને સફેદ રંગથી માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગઈકાલે રાત્રિથી જ શરૂ કરવામાં આવી છે, અને સતત ચાલુ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, મતદાન મથકોની આંતરિક સુવિધાઓ તેમજ આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સાથે-સાથ કરવામાં આવી રહી છે, જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય. સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત રીતે આગળ વધી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા મતદાનને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Exit mobile version