જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષોમાં એક અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશના હવાઈ ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે, તેનો સીધો લાભ જામનગરને મળ્યો છે. વડાપ્રધાનના ’એવિએશન ફોર ઓલ’ના વિઝન અને નીતિઓના પરિણામે, ભારતીય વિમાનમથક પ્રાધિકરણ (AAI) દ્વારા સંચાલિત આ એરપોર્ટ આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે માત્ર હવાઈ પરિવહનનું મુખ્ય કેન્દ્ર જ નથી, પરંતુ પ્રદેશના આર્થિક અને ધાર્મિક વિકાસની કરોડરજ્જુ સાબિત થઈ રહ્યું છે.એરપોર્ટ ડાયરેકટર ડી.કે.સિંઘે વિગતો આપ્યા કહ્યું કે, વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી, બ્રાસ ઉદ્યોગ અને સમુદ્રી વેપાર જેવા મોટા ઔદ્યોગિક એકમોને દેશ-વિદેશ સાથે જોડવાની સાથે, જામનગર એરપોર્ટ પવિત્ર દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મંદિરના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે એક મુખ્ય હવાઈ પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના ગત 12 વર્ષોની વિકાસગાથા પર નજર કરીએ તો, એક સમય એવો હતો જ્યારે જામનગર એરપોર્ટ પર દિવસમાં માત્ર એક જ ફ્લાઇટનું સંચાલન થતું હતું. આજે એરપોર્ટનું નેટવર્ક વિસ્તર્યું છે અને દરરોજ સરેરાશ 10 ફ્લાઇટ મૂવમેન્ટ્સ નોંધાઈ રહ્યા છે. મુસાફરો માટે મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મહત્વપૂર્ણ શહેરો માટે સીધી હવાઈ સેવા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ શરૂ થયેલી ફ્લાઇટ સેવાઓ વર્ષ 2026 સુધી પણ ખૂબ જ સફળતાપૂર્વક કાર્યરત છે. આ કનેક્ટિવિટીના પરિણામે, વર્ષ 2014 માં જ્યાં વાર્ષિક આશરે 50 હજાર મુસાફરો નોંધાતા હતા, તે સંખ્યા વર્ષ 2025-26 દરમિયાન વધીને 2 લાખ સુધી પહોંચી ગઈ છે, જે મુસાફરોની સંખ્યામાં આશરે 300 ટકાનો પ્રભાવશાળી વધારો દર્શાવે છે.
જામનગર એરપોર્ટ ગુજરાતનું એકમાત્ર એરપોર્ટ છે જ્યાં બે કાર્યરત રનવે ઉપલબ્ધ છે, જે ઇમરજન્સી કે ખરાબ હવામાનમાં ફ્લાઇટ ઓપરેશન્સને અટકવા દેતા નથી. વર્ષ 2014 માં જે ટર્મિનલ બિલ્ડિંગની ક્ષમતા એક સમયે માત્ર 150 મુસાફરોને સંભાળવાની હતી, તે આગમન, પ્રસ્થાન અને સિક્યુરિટી હોલ્ડ એરિયાના વિસ્તરણ બાદ વર્ષ 2026 માં એક સમયે 400 મુસાફરોને સેવા આપવા સક્ષમ બન્યું છે. ઉપરાંત, વર્ષ 2024 માં એપ્રન (વિમાન પાર્કિંગ વિસ્તાર) ના આધુનિકીકરણ બાદ હવે અહીં એકસાથે 4 વિમાનો ખૂબ જ સરળતાથી પાર્ક અને સંચાલિત કરી શકાય છે.
મુસાફરોને ઉત્કૃષ્ટ સેવાઓ આપવાના મામલે જામનગર એરપોર્ટે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ‘એએઆઈ’ના કસ્ટમર સેટિસફેક્શન ઈન્ડેક્સ (CSI) રાઉન્ડ II 2025 માં 4.96/5 ના શાનદાર સ્કોર સાથે જામનગર એરપોર્ટને રાષ્ટ્રીય સ્તરે ચોથો ક્રમ મળ્યો છે. ગુજરાતમાંથી માત્ર બે જ એરપોર્ટ રાષ્ટ્રીય ટોપ-5 માં સ્થાન મેળવી શક્યા છે.
પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ જામનગર એરપોર્ટ અગ્રેસર છે. ઓગસ્ટ 2023 થી ગ્રીન ટેરિફ યોજના હેઠળ પીજીવીસીએલ દ્વારા પૂરી પાડવામાં આવતી ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને એરપોર્ટ કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી રહ્યું છે.
આખુંય ટર્મિનલ ઊર્જા કાર્યક્ષમ LED લાઇટિંગ સિસ્ટમથી સજ્જ છે અને વેસ્ટ વોટરના શુદ્ધિકરણ માટે સ્યુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) કાર્યરત છે, જેના પાણીનો ઉપયોગ એરપોર્ટના બગીચાઓ અને હરિયાળીની જાળવણી માટે થાય છે.

