Site icon Gujarat Mirror

જૈશ-એ-મોહમ્મદનો આતંકી વડોદરાની હોટલમાં પણ રોકાયો હતો

વડોદરામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસ દરમિયાન શહેરની સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટલનું નામ પણ સામે આવ્યું છે. ગુજરાત ATSની તપાસમાં આરોપી અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં થોડો સમય રોકાયા હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે હોટલ મેનેજર સફવાન શાજીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે હોટલ સંચાલનને આરોપીઓની ઓળખ કે તેમની પૃષ્ઠભૂમિ અંગે કોઈ જાણકારી નહોતી.

સફવાન શાજીના જણાવ્યા અનુસાર ATSની ટીમ આરોપીને સાથે લઈને હોટલ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તેમના કહેવા મુજબ આરોપી હોટલમાં મહેમાન તરીકે રોકાયો નહોતો, પરંતુ અગાઉ હોટલમાં નોકરી કરતો એક કર્મચારી તેના ગામનો ઓળખીતો હોવાથી તે સીધો સર્વન્ટ રૂમમાં ગયો હતો. મેનેજરનો દાવો છે કે આરોપી માત્ર 15થી 20 મિનિટ માટે ફ્રેશ થવા આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો હતો.
હોટલ મેનેજરે જણાવ્યું કે ATSએ સર્વન્ટ રૂમ સહિત સમગ્ર સ્થળની તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ATS દ્વારા હોટલના સ્ટાફની સામાન્ય માહિતી લેવામાં આવી હતી, પરંતુ કોઈ વિશેષ પૂછપરછ કરવામાં આવી નહોતી.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આરોપી અહમદ ગાજીવાલાને સાથે રાખીને ATSએ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સ્થળ તપાસ કરી હતી. તપાસમાં વડોદરા રેલવે સ્ટેશન નજીક કાશ્મીરી આતંકી સાથે જૈશ-એ-મોહમ્મદની કથિત ગુપ્ત બેઠક યોજાઈ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તપાસ એજન્સીઓ આ દાવાઓના સમર્થનમાં પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી સાહિત્ય અને વીડિયો શેર કરતા હોવાની વિગતો પણ સામે આવી હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે. સાથે જ સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી વિચારધારા તરફ આકર્ષવાના પ્રયાસો થયા હતા કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

Exit mobile version