Site icon Gujarat Mirror

પ્રમોશન માટે ખોટા પેપર રજૂ કરનાર પ્રોફેસર સામે તપાસનો હુકમ

જૂની તારીખે પેપર છપાવી પ્રમોશનનો આરોપ, યુનિવર્સિટી પ્રશાસન સામે પ્રશ્ર્નો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય અને અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતા સામે શૈક્ષણિક છેતરપિંડીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ ડો.નીદત બારોટે કરેલા આક્ષેપ અને કુલ સચિવને કરેલી લેખિત રજૂઆત બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ડોક્ટર નિદત બારોટે કરેલા આક્ષેપમાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર ડો.કમલ મહેતાએ પ્રમોશન મેળવવા અને અને રાજ્યના ચીફ સેક્રેટરી કરતા પણ વધુ પગાર મેળવવા માટે જૂની તારીખમાં સંશોધન પેપરો છપાવીને મોટી ગેરરીતિ આચરી છે.

આ સમગ્ર મામલે સોમવારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ખુલાસાનો અહેવાલ મગાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ડો. મહેતાએ વર્ષ 2015 માં પ્રસિદ્ધ કરેલા પેપરમાં ’NEP 2020’નો ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન એ ઊઠે છે કે, 2015 માં કોઈ વ્યક્તિને 2020માં આવનારી નીતિ વિશે કેવી રીતે ખબર હોઈ શકે? બીજીબાજુ 2015 ના પેપરમાં વર્ષ 2018ના સંશોધન પત્રોનો સંદર્ભતરીકે ઉપયોગ કરાયો છે. જે અશક્ય છે. સૌરાષ્ટ્ર યુનિ.ના સતા મંડળના સભ્ય થવા માટે અંગ્રેજી ભવનના પ્રો. કમલ મહેતાએ જૂની તારીખમાં સંશોધનપત્રો છપાવી પ્રમોશન મેળવવા કૃત્ય આચર્યું હોવાનાં આક્ષેપ સાથે કુલપતિને પત્ર પાઠવી તપાસની માગણી કરવામાં આવી છે.

શિસ્તભંગ પગલાં લેવા જોઈએ: નિદત્ત બારોટ
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને પત્ર પાઠવી પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો.નિદત બારોટે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે આગામી દિવસોમાં સીએએસ હેઠળ અધ્યાપકોના પ્રમોશનના ઈન્ટરવ્યુ થનાર છે તેવા સંજોગોમાં અંગ્રેજી ભવનનાં પ્રો. કમલ મહેતાએ વર્ષ 2015 થી વર્ષ 2022 દરમિયાન જુદા-જુદા જર્નલમાં રીસર્ચ પેપરનું પબ્લિકેશન કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેની પીડીએફ ચકાસવામાં આવે તો આ તમામ રીસર્ચ પેપર તા.30 ડીસે. 2024ના અપલોડ કરવામાં આવ્યા હોય તેવી વિગતો મળી આવે છે તેથી યુનિ.એ આ પ્રકારની વિગતોની ચકાસણી કરવી જોઈએ. સીનીયર અધ્યાપક સામે શિસ્તભંગ પગલાં લેવા જોઈએ.

ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ : કમલ મહેતા
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતાએ તમામ આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાની લાયકાત મુજબ તેઓ વર્ષ 2014માં જ પ્રમોશન માટે પાત્ર હતા અને તેથી તેમના સંશોધન પેપરો તે સમયગાળાના ગણવામાં આવવા જોઈએ. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં અનેક સંશોધન પેપરો અને પુસ્તકોનું પ્રકાશન કર્યું છે અને તેમને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડો. મહેતાએ રામાયણનું ઉદાહરણ આપીને નિદત બારોટ પર પ્રહાર કર્યો હતો. તેમનું કહેવું છે કે, સિનિયોરિટી મુજબ તેઓ એકેડેમિક કાઉન્સિલના સભ્ય છે અને ભવિષ્યમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સ્થાન મળવાની શક્યતા હોવાથી તેમના વિરોધ કરવામાં આવી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે સ્પષ્ટ થઈ જશે.

Exit mobile version