Site icon Gujarat Mirror

મોંઘવારી વધશે, વિકાસ ઘટશે: RBIની રેડલાઇટ

 

વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ 4.6%થી વધીને 5.1% કરાયો, અર્થતંત્રનો વિકાસ દર 6.9%થી ઘટાડી 6.6%

RBIની નાણાકીય સમિતિની બેઠકમાં રેપોરેટ 5.25% યથાવત રખાયો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં મોટા આર્થિક સંકેતો આપ્યા છે. આરબીઆઇના ગર્વનર સંજય મલ્હોત્રાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ઈરાન-સંબંધિત તનાવને કારણે દેશમાં મોંઘવારી વધશે અને આર્થિક વિકાસ ઘટશે આ સાથે જ RBI દ્વારા રેપોરેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો છે અને પોલિસી સ્ટાન્સને ‘નેચ્યુરલ’ (તટસ્થ) જાળવી રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં 3થી 5 જૂન સુધી ચાલેલી MPCની ત્રણ દિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI એ ચાલુ વર્ષ 2026-27 (FY27) માટે ઉપભોક્તા મોંઘવારી (ઈઙઈં)ના અંદાજને વધારીને 5.1 ટકા કર્યો છે, જે અગાઉ 4.6 ટકા હતો. આ વધારો મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવ વધવા અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે છે. બીજી તરફ, રિયલ GDP વિકાસ દરના અંદાજને 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. ત્રિમાસિક અંદાજ જોઇએ તો પ્રથમ ત્રિમાસિક (Q1): 6.6%, બીજું ત્રિમાસિક (Q2): 6.3%, ત્રીજું ત્રિમાસિક (Q3): 6.5% , ચોથું ત્રિમાસિક (Q4): 6.8% નો વિકાસદર અપાયો છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભૂ-રાજકીય તનાવ અને યુદ્ધની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

RBI ગવર્નરે આજે જણાવ્યું હતુ કે, પશ્ચિમ એશિયામાં ઈરાન સંકટ અને ત્યાંના તનાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેનાથી મહંગાઈ વધી રહી છે અને સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું, અમે આ વૈશ્વિક ઝટકાઓનો ન્યૂનતમ નુકસાન સાથે સામનો કરવા સક્ષમ છીએ. આ સંકટને અર્થતંત્રને મજબૂત કરવાના અવસર તરીકે જોવું જોઈએ.છતાં, આરબીઆઇએ ભારપૂર્વક કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા અગાઉના સંકટો કરતાં વધુ મજબૂત છે.

આ નિર્ણયથી સામાન્ય લોકોના લોન હપ્તા (EMI)માં તાત્કાલિક વધારો નહીં થાય, પરંતુ વધતી મહંગાઈના કારણે રોજિંદા જીવન પર અસર પડી શકે છે. વ્યવસાયીઓ માટે વિકાસ દરમાં ઘટાડો રોકાણ અને વિસ્તાર પર અસર કરી શકે છે. RBIએ આગામી મહિનાઓમાં મોન્સુન, વૈશ્વિક તેલના ભાવ અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નીતિઓ નક્કી કરવાની વાત કરી છે. આ સ્થિતિમાં સરકાર અને RBI વચ્ચે સંકલિત પ્રયાસોની જરૂૂર છે જેથી અર્થવ્યવસ્થાની સ્થિરતા જળવાઈ રહે.

કાળઝાળ મોંઘવારીમાં RBI વરસી નહીં, રેપોરેટ યથાવત રાખતા હપ્તા નહીં ઘટે !

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ આજે જાહેર કરેલા નિર્ણયમાં કી પોલિસી રેટ એટલે કે રિપો રેટને 5.25 ટકા પર અપરિવર્તિત રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સામાન્ય લોકો અને વ્યવસાયીઓ પરનો લોનનો બોજ આગામી મહિનાઓમાં ઘટવાની કોઈ આશા નથી. વ્યાજદરો સ્થિર રહેવાથી હોમ લોન, વાહન લોન, વ્યક્તિગત લોન અને વ્યવસાયિક લોનના હપ્તા ઘટવાની સંભાવના લગભગ નજીવી છે. કમિટીએ પોલિસી સ્ટાન્સને પણ ‘નેચ્યુરલ’ (તટસ્થ) જાળવી રાખવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય અગાઉની આપેલી અપેક્ષાઓ સાથે સુસંગત છે.

 

Exit mobile version