નેતન્યાહુ મારા મિત્ર નહીં, દિલોજાન ભાઇ છે, ઇઝરાયેલમાં ભારતના પી.એમ. છવાયા, ગાઝા શાંતિને જાહેર કર્યો ટેકો
કૃષિ, વ્યાપાર અને સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને પ્રતિનિધિ સચિવોના વિશાળ કાફલા સાથે અત્રે આવેલા ભારતીય વડાપ્રધાન નરેનદ્ર મોદીના ગઇકાલના ઇઝરાયેલી સંસદ નેસેટ સમક્ષના ઐતિહાસિક ભાષણ અને ફોટોગ્રાફથી હિબ્રુ ભાષાના વિવિધ રાષ્ટ્રીય દૈનિકોના પૂષ્ઠો છવાયેલા છે. ધ જેરૂસલેમ પોસ્ટ, ઇઝરાયેલ હાયોમ અને હાટેલ્ઝ જેવા દૈનિકોએ ભારત- ઇઝરાયેલ સંબંધના નવા અધ્યાયને વિસ્તૃત રીતે આલેખી વડાપ્રધાન મોદીને જબરજસ્ત કવરેજ આપ્યું છે.
આજે ભારત- ઇઝરાયેલ વચ્ચે કૃષિ, વ્યાપાર અને સંરક્ષણ સહીતના વિવિધ દ્વિપક્ષીય કરારો પર બન્ને દેશોના વડાઓ હસ્તાક્ષર કરશે. ઉપરાંત ભારત અને યુરોપ વચ્ચેના નવા કોરીડોર અંગે પણ ચર્ચા આગળ વધશે. જે ચિનના શિલ્પ રોડની સ્પર્ધામાં આવશે. ગઇકાલે નેસેટ સંબોધન પછી ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ નરેન્દ્રમોદીને એક પ્રદર્શન જોવા લઇ ગયા હતા જે ટેકનોલોજીની દુનિયામાં ઇઝરાયેલે કરેલી ક્રાંન્તિની ઝાંખી કરાવતું હતું. ત્યારબાદ નેતન્યાહુએ વડાપગધાન મોદી માટે યોજેલા સાંધ્ય ભોજન સમારંભમાં ભાગ લીધો હતો જેમાં બન્ને દેશોના પારસ્પરિક રાજદુતો થતા ઉચ્ચાધિકારીઓ સાથે કરાર પૂર્વેની અવિધિસરની નિખાલસ વાતો કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની સંસદ ’નેસેટ’ ને સંબોધિત કરી આતંકવાદના રાક્ષસ સામે વૈશ્વિક એકતાનો હાકલ કરી હતી. આ ઐતિહાસિક મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો અને આતંકવાદ સામે ’ઝીરો ટોલરન્સ’ ના ભારતના મક્કમ સ્ટેન્ડને વિશ્વ સમક્ષ રાખવાનો હતો. આજે ગુરૂવારે ભારત અને ઇઝરાયેલ વચ્ચે મહત્વના કરારો થવાની ધારણા છે. વડાપ્રધાન મોદી પોતાની સાથે સંરક્ષણ, કૃષિ અને વ્યાપાર મંત્રાલયના પ્રતિનિધિ અધિકારીઓનો મોટો કાફલો લઇને અહીં આવ્યા છે.
પીએમ મોદીએ તેમના પ્રવચનની શરૂૂઆતમાં ઇઝરાયલી સંસદમાં ઉભા રહેવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ માત્ર ભારતના પ્રધાનમંત્રી તરીકે જ નહીં, પરંતુ એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યા છે. 1.4 અબજ ભારતીયો તરફથી મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવતા મોદીએ ઉમેર્યું કે ભારત અને ઇઝરાયલનો સંબંધ માત્ર વ્યવહારિક નથી, પરંતુ આત્મીય છે. નોંધનીય છે કે, પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો, જે દિવસે ભારતે ઇઝરાયલને સત્તાવાર રીતે માન્યતા આપી હતી, આ સંયોગનો ઉલ્લેખ કરી તેમણે સંબંધોની ઊંડાઈ સમજાવી હતી.
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાને આતંકવાદના મુદ્દે પાકિસ્તાન અને હમાસ જેવી શક્તિઓને આકરો સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ન તો આપણે 26/11 ના મુંબઈ હુમલાને ભૂલ્યા છીએ, ન તો 7 ઓક્ટોબરના હમાસના ક્રૂર હુમલાને.” મુંબઈ હુમલામાં ઇઝરાયલી નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા તેનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે ભારત આ પીડાને સમજે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ બહાના હેઠળ નિર્દોષ નાગરિકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં. આતંકવાદ સામે લડવામાં ભારતના બેવડા ધોરણો નથી અને ભારત ઇઝરાયલ સાથે મજબૂતીથી ઉભું છે.
પીએમ મોદીએ ભારતમાં વસતા યહૂદી સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે સદીઓથી ભારતમાં યહૂદીઓ કોઈપણ ભેદભાવ કે અત્યાચાર વિના શાંતિપૂર્વક રહે છે. તેમણે પોતાના ધર્મ અને સંસ્કૃતિને જાળવી રાખીને ભારતીય સમાજના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આ બાબત ભારતની વિવિધતામાં એકતા અને સહિષ્ણુતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર બોલતા પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂર કરાયેલ ગાઝા શાંતિ પહેલને ટેકો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે શાંતિનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી, પરંતુ હિંમત અને માનવતાના આધારે જ સ્થાયી ઉકેલ લાવી શકાય છે. ભારત પેલેસ્ટિનિયન મુદ્દાના ઉચિત ઉકેલ સહિત સમગ્ર ક્ષેત્રમાં સ્થિરતા અને સંવાદનો પક્ષધર છે.
ભારતીય દેશી પોશાક પહેરી નેતન્યાહુએ મોદીને ચોંકાવ્યા
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગઇકાલે તેમના ભારતીય સમકક્ષ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સંયુક્ત રાત્રિભોજન પહેલાં પરંપરાગત ભારતીય પોશાક પહેરીને આશ્ચર્યચકિત કર્યા. નેતન્યાહૂએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોતાનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં, બેન્જામિન નેતન્યાહૂ ભારતીય અને પશ્ચિમી પોશાકનું આકર્ષક મિશ્રણ પહેરેલા જોઈ શકાય છે. તેમણે સફેદ ફુલ-બાંય શર્ટ ઉપર હળવા ગ્રે સ્લીવલેસ જેકેટ પહેર્યું હતું, જે પરંપરાગત ભારતીય ’નેહરુ જેકેટ’ અથવા ’બુંદી’ જેવું લાગે છે, પીએમ નેતન્યાહૂએ હિન્દીમાં લખ્યું, “અમારા સંયુક્ત રાત્રિભોજન પહેલાં, મેં મારા મિત્ર વડાપ્રધાન મોદીને પરંપરાગત ભારતીય પોશાક પહેરીને આશ્ચર્યચકિત કર્યા.”

