Site icon Gujarat Mirror

હોર્મુઝથી આવતા પોતાના કાર્ગો વહાણોને એસ્કોર્ટ કરવા ભારતના 5 વોરશિપ તૈનાત

ઓપરેશન ઉર્જા સુરક્ષા અંતર્ગત LPG, LNG અને ક્રૂડ ઓઇલના પરિવહનને સુરક્ષા કવચ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-નિયંત્રિત હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળે ઓપરેશન ઉર્જા સુરક્ષા શરૂૂ કર્યું છે. આ અંતર્ગત પાંચથી વધુ ફ્રન્ટલાઈન યુદ્ધપોતો (ડિસ્ટ્રોયર્સ અને ફ્રિગેટ્સ) તૈનાત કરવામાં આવ્યા છે જેથી ભારત તરફ આવતા કાર્ગો વહાણોને સુરક્ષિત માર્ગદર્શન અને એસ્કોર્ટ પૂરું પાડી શકાય. પ્રવર્તમાન વિકટ સંયોગોમાં ભારતીય નૌકાદળે તાત્કાલીક પગલા લીધા છે.

ઓપરેશન અંતર્ગત વહાણો હોર્મુઝ સ્ટ્રેટ સાફ કર્યા પછી ગલ્ફ ઓફ ઓમાનમાં નૌકાદળના યુદ્ધપોતો તેમને એસ્કોર્ટ કરીને અરબી સમુદ્ર તરફ માર્ગદર્શન આપે છે. વર્તમાનમાં હોર્મુઝ આસપાસ 20થી વધુ ભારતીય કાર્ગો વહાણો અટવાયેલા છે. ડીજી શિપિંગ સાથે સતત સંપર્કમાં રહીને નૌકાદળ આ વહાણોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કાર્ય કરી રહી છે.

આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં એલપીજી કેરિયર પાઈન ગેસ અને જગ વસંત જેવા વહાણો સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. આ બે વહાણોમાં કુલ 92,000 ટન એલપીજી લાદેલું છે જે ભારતીય બંદરો તરફ આગળ વધી રહ્યા છે. મોટા ભાગના વહાણોમાં LPG, LNG અને ક્રુડ ઓઇલ જેવા મહત્વના ઊર્જા પુરવઠા છે અને ક્રૂમાં મોટી સંખ્યામાં ભારતીયો છે.

રક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આ મિશન ક્રિટિકલ મેરિટાઈમ રૂૂટ્સને સુરક્ષિત રાખવા અને ભારતના ઊર્જા પુરવઠાને અવરોધ વિના ચાલુ રાખવા માટે શરૂૂ કરવામાં આવ્યું છે. ઈરાન પસંદગીના વહાણોને વેરિફિકેશન પછી પસાર થવા દે છે જે ઈરાની પાણીમાં થાય છે. આવી જટિલ સ્થિતિમાં ભારતીય નૌકાદળની સક્રિય હાજરી દેશના વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરે છે. આ ઓપરેશન ભારત સરકાર અને નૌકાદળની ત્વરિત પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે જેથી વેસ્ટ એશિયાના સંઘર્ષની અસર ભારતના ઊર્જા આયાત પર ન પડે.

 

Exit mobile version