Site icon Gujarat Mirror

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતે પાકિસ્તાન પર કરી એર એરસ્ટ્રાઈક: 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો

 

આખરે ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય વાયુસેનાએ ગઈ કાલે મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પીઓકે, એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા.

આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં ઘૂસી બહાદુર સેના

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’.

ભારતની આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી છે અને તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ નામ તે મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા.

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી છે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા.

 

Exit mobile version