રાજ્યમાં એક તરફ વાહનો બેફામ ચલાવીને નબીરાઓએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે નશાની હાલતમાં વાહનો શહેરની અંદર ચલાવતાં તત્વો પણ માસૂમોના જીવ માટે ખતરા સમાન છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં નશાની હાલતમાં ચાલકે સોસાયટીના લોખંડના ગેટ સાથે કાર અથડાવી હતી. જેથી ગેટ પડ્યો હતો. જે બાળકી પર પડતાં તે કચડાઈ ગઈ હતી.
ગોડાદરા વિસ્તારમાં આવેલા સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન એક છ વર્ષની બાળકી ગેટની નજીક ઉભી હતી. સિક્યુરિટી ગાર્ડની દીકરી ઉભી હતી. ત્યારે એક નશામાં બેફામ થયેલા ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો. જેણે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી કારને ગેટ સાથે અથડાવી હતી. જેથી લોખંડનો ભારે ભરખમ ગેટ પડી ગયો હતો. જે બાળકી પર પડતાં કચડાઈ ગઈ હતી.આટલું બાકી હોય તેમ આડા પડેલા ગેટ પર પણ ચાલકે કાર ચડાવી દીધી હતી. જેથી બાળકી વધારે કચડાઈ ગઈ હતી.
સુડા સહકાર આવાસમાં સિક્યુરિટી તરીકે કામ કરતાં ગાર્ડની દીકરી કચડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક લોકોએ એકઠા થઈને ચાલકને ઝડપી લીધો હતો. જે નશામાં હતો. બાદમાં કાર ચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.