શહેરમાં રૂખડીયાપરામાં કામની શોધમાં આવેલા સિહોર પંથકના યુવાન દારૂના નશામાં વીજપોલ પકડી લીધો હતો. યુવકને વીજશોક લાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સિહોરના ભોળાદનેહડા ગામે રહેતો રણજીત હરજીભાઈ પરમાર નામનો 29 વર્ષનો યુવાન રાજકોટમાં નોકરીની શોધમાં આવ્યો હતો. તે દરમિયાન રૂખડીયાપરા રેલવેના પુલ પાસે દારૂના નશામાં વીજપોલ પકડી લીધો હતો. યુવકને વીજશોક લાગતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં રહેતી અંજલીબેન ભાવેશભાઈ છાયા નામની 25 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

