શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા કારખાનેદારના પત્નીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃતકને પતિ સાથે છોકરા બાબતે ઝઘડો થતા આ પગલું ભરી લીધુ હતુ. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે કાગળો કર્યા હતા. મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા સંગીતાબેન ઉમેશભાઇ કયાડા નામના 42 વર્ષના મહિલાએ ગઇ તા. 26ના રોજ સાંજના સમયે ઝેરી દવા પી લીધી હતી.
જેથી તેઓને સૌપ્રથમ મેડીકેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા ત્યારબાદ ત્યાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનુ સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના સમયે મૃત્યુ નિપજયુ હતુ. સંગીતાબેનનુ માવતર રતનપરના જારીયા ગામે આવેલ છે. તેમના પતિ ઉમેશભાઇ કયાડાને સંસ્કાર ઇન્ડ. એરીયામાં કારખાનુ આવેલુ છે. બંનેના આ બીજા લગ્ન હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ આ ઘટનામાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે તેમનો પુત્રને ભણવા બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે સંગીતાબેનને લાગી આવતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ.
સંગીતાબેને આપઘાત કરી લેતા જારીયા ગામે રહેતા તેમના પરીવારને જાણ કરવામાં આવી હતી. તેમજ તેમના મૃત્યુથી પરીવારમાં શોક છવાઇ ગયો છે. આ અંગે બી ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ રત્ન અને સ્ટાફે તપાસ આગળ શરૂ કરી છે.