ગુજરાત
કાલાવડના મોટી નાગાજર ગામે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી શ્રમિકનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની પત્નીના વિયોગમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ખેડૂત દિલાવરભાઈ બોરીચા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા વિનુભાઈ થાવુભાઈ બબેરિયા નામના 20 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના હાથે વાડીમાં પડેલી જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરાયા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ શેનીયાભાઈ થાવુભાઈ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોસ્ટેબલ વી.જે. જાદવે હોસ્પિટલમાં પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ની પત્ની રિસાઈને તેના માવતરે ચાલી ગઈ હતી, અને ફરીથી પતિ પાસે આવીને રહેવા માંગતી ન હોવાથી તેનું મૃતક યુવાન વિનુભાઈને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.