રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી. ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી રાધિકા ધામેચાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાધિકા તાજેતરમાં જ ગોવા ફરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણે ગઈ કાલે (21/02/2025) રાત્રે તેના પિતાને ફોન કરીને ‘હું જાવ છું’ કહી ફોન મુકી દીધો. પિતા ઘરે પહોંચતા જ યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ આ ઘટાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
રાધિકા ધામેચા ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા તરીકે જાણીતી છે. રાધિકા હર્ષદભાઈ ધામેચાની ઉંમર 26 વર્ષની હતી. જોકે, રાધિકાએ આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી. રાત્રીના સમયે ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
રાધિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તોફાની રાધા પરથી 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ત્રણ સ્ટોરી અપલોડ કરવામાં આવી હતી. જેમાંથી એક સ્ટોરીમાં ‘ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ તે પ્રકારના લખાણ સાથે એક રીલને રિપોસ્ટ કરી હતી.
અચાનક રાધિકાએ આવું પગલું કેમ ભર્યું તે પણ ચર્ચાનો વિષય છે. પોતાના પરિવારથી અલગ રહેતી રાધિકાના પગલાથી સૌ કોઈ ચોંકી ગયા છે. તો બીજી તરફ 26 વર્ષીય પુત્રીની વિદાઈથી પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે.

