ગુજરાત વિધાનસભાના હાલના બજેટ સત્ર દરમિયાન રાજ્યના લાખો ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા વિધાનસભા ગૃહમાં ’સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949’ ની કલમ 75 અને 75(અ) માં સુધારો કરતું વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરી દેવાયું છે. આ નવા કાયદાકીય સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીની જમીનના ગેરકાયદેસર વ્યવહારો પર કડક અંકુશ લાવવાનો અને ભોગ બનનાર મૂળ ખેડૂત ખાતેદારને માત્ર 3 મહિનાની સમયમર્યાદામાં તેની જમીન સત્તાવાર રીતે પરત અપાવવાનો છે.
રાજ્યમાં જમીન અને ગણોત વ્યવસ્થાને લગતા મુખ્યત્વે 3 કાયદાઓ અમલમાં છે: ગુજરાત ગણોત વહીવટ અધિનિયમ 1948, સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ 1949, અને વિદર્ભ કચ્છ ક્ષેત્ર અધિનિયમ 1958. અત્યાર સુધી સૌરાષ્ટ્ર વટહુકમની કલમ 75 હેઠળ જિલ્લા કલેક્ટર પાસે અનઅધિકૃત કબજો ખાલી કરાવવાની સત્તા તો હતી,
પરંતુ ગેરકાયદે જમીન તબદીલીના કિસ્સામાં તે જમીન મૂળ માલિકને કેવી રીતે પાછી આપવી અથવા સરકાર હસ્તક કેવી રીતે લેવી, તેની કોઈ સ્પષ્ટ કાયદાકીય માર્ગદર્શિકા ન હતી.
આ ઉપરાંત, 5 ડિસેમ્બર 2015 ના રોજ ઉમેરવામાં આવેલી કલમ 75(અ) મુજબ, જો કોઈ બિનખેડૂત વ્યક્તિ કે સંસ્થા ખેતીની જમીન ખરીદે તો તેને જંત્રીની કિંમતના 3 ગણા દંડ ફટકારવાની જોગવાઈ હતી. પરંતુ દંડ ભરવા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા ન હોવાથી કાનૂની પ્રક્રિયાઓ લાંબી ચાલતી હતી અને ખેડૂતને પોતાની જમીન પાછી મેળવવામાં ભારે વિલંબનો સામનો કરવો પડતો હતો.
વિધાનસભામાં પસાર થયેલા આ નવા સુધારા વિધેયકથી કાયદાકીય છટકબારીઓ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. હવે જિલ્લા કલેક્ટર પોતાની રીતે અથવા જમીનમાં હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિની લેખિત અરજીના આધારે તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી શકશે. નવા નિયમ મુજબ, જો જમીનનું વેચાણ કે તબદીલી ગેરકાયદેસર જણાશે, તો કલેક્ટર ખરીદનારને 3 મહિનાની અંદર મૂળ ખેડૂતને જમીન પરત કરવાનો આદેશ આપશે.
જો આ 3 મહિનાની મુદતમાં જમીન અગાઉની સ્થિતિમાં પરત કરવામાં નહીં આવે, તો કલેક્ટર તે વેચાણ વ્યવહારને ગેરકાયદેસર જાહેર કરશે. ત્યારબાદ તે જમીન તમામ પ્રકારના બોજાઓથી મુક્ત થઈને સીધી જ સરકારના હસ્તક આવી જશે અને તેનો નિકાલ ’સરકારી પડતર જમીન’ તરીકે કરવામાં આવશે.
મહેસૂલ રાજ્યમંત્રીએ ગૃહમાં સ્પષ્ટ કર્યું હતું કે, ખેડૂત માટે તેની જમીન માત્ર એક આર્થિક સંપત્તિ નથી, પરંતુ તેના પરિવારના જીવન નિર્વાહ અને આજીવિકાનો એકમાત્ર આધાર છે. આ સુધારાથી જમીન માફિયાઓ પર લગામ કસાશે અને વહીવટી પારદર્શિતા આવશે. જો કોઈ કિસ્સામાં જમીન સરકારને હસ્તક જાય છે,
તો તે જમીનનો ઉપયોગ ભવિષ્યમાં શાળા, સરકારી હોસ્પિટલ કે રસ્તા જેવા સાર્વજનિક હિતના કાર્યો માટે કરવામાં આવશે.

