શાંતિનગરમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર રકાબી ફેંકી, ગુનો નોંધાયો

શહેરના શાંતિનગર વિસ્તારમાં આવેલા વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય પૂજાબેન ગૌરવભાઈ દાસાણીએ પોલીસમાં જાહેર કર્યું છે કે તેના લગ્ન વર્ષ 2021માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ગૌરવભાઈ…

શહેરના શાંતિનગર વિસ્તારમાં આવેલા વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય પૂજાબેન ગૌરવભાઈ દાસાણીએ પોલીસમાં જાહેર કર્યું છે કે તેના લગ્ન વર્ષ 2021માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ગૌરવભાઈ વિજયભાઈ દાસાણી સાથે થયા હતા. લગ્નના શરૂૂઆતના છ મહિના બાદ જ પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધોની જાણ થતા ઘરમાં કંકાસ શરૂૂ થયો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, જ્યારે તેણે આ બાબતે પોતાના સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈને જાણ કરી, ત્યારે તેઓએ પુત્રને સુધારવાને બદલે પૂજાબેન સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપવાનું શરૂૂ કર્યું હતું.

ઘટનાની વિગતો મુજબ, ગત તારીખ 07/04/2026ના રોજ સવારે આશરે સવા આઠ વાગ્યે પતિ-પત્ની વચ્ચે ઘરમાં વાતચીત ચાલી રહી હતી. પૂજાબેને પોતાના પતિ ગૌરવભાઈને વિનંતી કરી હતી કે પોરબંદર રહેતા સાસુ-સસરા જો તેમની સાથે રાજકોટ આવીને રહે, તો 2 વર્ષના પુત્ર પુરવને સાચવવામાં મદદ મળી રહે. આ સાંભળતા જ મ્યુચુઅલ ફંડમાં ક્લસ્ટર હેડ તરીકે નોકરી કરતા ગૌરવભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની સાથે ઝઘડો કરી છૂટી રકાબીનો ઘા માર્યો હતો.

આ હુમલામાં પૂજાબેનને કપાળના ભાગે અને ડાબા ગાલ પર મુંઢ ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેઓએ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર લેવી પડી હતી. પૂજાબેને પોતાની ફરિયાદમાં વધુમાં આક્ષેપ કર્યો છે કે તેના સાસુ-સસરા અવારનવાર પોરબંદરથી આવીને ફ્લેટ તેમના નામે હોવાનું કહી ઘરની બહાર નીકળી જવાની ધમકીઓ આપતા હતા.

અગાઉ એકવાર સમાધાન થયા બાદ પણ સાસરીયાઓના વર્તનમાં સુધારો આવ્યો નહોતો. આખરે પતિના હિંસક વર્તન અને સાસરીયાના અસહ્ય ત્રાસથી કંટાળી પૂજાબેને પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 85, 115(2) અને 3(5) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.