Site icon Gujarat Mirror

પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !

શહેરના ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વૈશાલીબા જાડેજાએ તેમના પતિ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિપુલભાઈ જાડેજા સામે આક્ષેપ કર્યો છે કે લગ્નના દસ વર્ષ બાદ પણ તેમને પત્ની તરીકેનો દરજ્જો આપવાને બદલે સતત મ્હેણાં-ટોણાં મારી મારકુટ કરવામાં આવતી હતી.

આ મામલે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 115(2) અને 351 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદની વિગતો મુજબ, વૈશાલીબાના લગ્ન વર્ષ 2009માં વિરેન્દ્રસિંહ સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો પણ છે. જોકે, લગ્નની શરૂૂઆતથી જ પતિ દારૂૂ પીવાની કુટેવ ધરાવતા હતા અને નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારકુટ કરતા હતા.

એક આઘાતજનક ઘટનામાં, અગાઉ ગર્ભાવસ્થા દરમિયાન પણ પતિએ તેમના પર ગરમ ચા ઢોળી દીધી હતી અને ધક્કો માર્યો હતો, જેના કારણે સમય પૂર્વે ડિલિવરી કરવી પડી હતી અને જન્મેલા બાળકનું ટૂંક સમયમાં જ મૃત્યુ થયું હતું.

વૈશાલીબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2016માં તેમને જાણ થઈ હતી કે તેમના પતિના અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો છે. જ્યારે તેમણે આ બાબતે પૂછપરછ કરી, ત્યારે પતિએ સુધરવાને બદલે ઉલટાનું પત્નીના ચરિત્ર પર શંકા કરવાનું શરૂૂ કર્યું હતું. એટલું જ નહીં, પતિએ પત્ની પર દેખરેખ રાખવા માટે પોતાના મિત્રને પણ પાછળ મોકલ્યો હતો અને પત્નીનો ફોન પણ પાંચ અલગ-અલગ જગ્યાએ કનેક્ટ (હેક) કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લોનના હપ્તા ન ભરવાને કારણે ઘર સીલ થવા સુધીની નૌબત આવી હોવા છતાં પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.

વારંવારની સમજાવટ અને અગાઉ થયેલા સમાધાન બાદ પણ પતિના વર્તનમાં કોઈ સુધારો ન આવતા અંતે વૈશાલીબાએ કાયદાનો આશરો લીધો છે. તેમણે મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિંદુબહેન પલ્લાચરીયાને સોંપવામાં આવી છે. હાલ પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી આરોપી પતિ સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version