શહેરના કોઠારીયા રોડ પર રહેતાં અને હાલ સુરત રહેતાં યુવાને કોઠારીયા ગામના સ્મશાન નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પત્નીએ રિસામણે ચાલી જઈ ખાધા ખોરાકીનો કેસ કર્યો હોય જેથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને હાલ સુરતમાં વરાછામાં રહેતાં હિતેશ પરસોતમભાઈ બારસીયા (ઉ.35) નામના યુવાને આજે સવારે કોઠારીયા ગામના સ્મશાન પાસે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર હિતેશ બે ભાઈમાં મોટો અને હિરા ઘસવાનું કામ કરે છે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. ત્રણ વર્ષથી પત્ની દીક્ષીતા રિસામણે હોય અને તેણીએ ખાધા ખોરાકીનો કેસ કરતાં મહિલા પોલીસ મથકમાંથી હિતેશના સગાને ફોન આવ્યો હોય જેથી હિતેશે સુરતથી આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

