Site icon Gujarat Mirror

સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષ

કેબિન મુકવા મામલે માથાકૂટ થઇ હતી, પોલીસે ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું

અમરેલીમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.મારામારી,લૂંટ,ચોરી અને હત્યાની ઘટના વધી રહે છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હતું, તેવા સમયે કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મુકતા લોહાણા જ્ઞાતિના લોકો અટકાવવા પહોંચ્યા હતા, તેવા સમયે 3 અગ્રણીઓ ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ઇજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી,તેજસ રાઠોડ સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હાલ ઇજાગ્રસ્ત લોકોને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિન્દૂ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ત્યારે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પણ હોસ્પિટલ દોડી ગયા છે.ઘટનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા સાવરકુંડલા પોલીસને કડક સૂચના અપાઈ હતી. જેથી એ.એસ.પી.વલય વૈદ્ય,સ્થાનિક પી.આઈ.સહિતનો પોલીસ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરી છે. હુમલાખોરો સામે ભારે નારાજગીનો માહોલ ઉભો થતાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તે માટે પોલીસ એલર્ટ થઈ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. બનાવ સ્થળની પોલીસે વિઝિટ લીધી છે અને ઇજાગ્રસ્ત લોકોના નિવેદનો લઈ પોલીસ ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.આ ઘટનામાં પોલીસ વડા હિમકરસિંહ અને આઇપીએસ વૈદ્યના માર્ગદર્શનમાં સાવરકુંડલા રૂૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસ ટુકડીએ ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.


આ ઘટનાના વિરોધમાં શહેરના વિવિધ સંગઠનો દ્વારા બપોર પછી સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેના પ્રતિસાદ રૂૂપે શહેરના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી.પોલીસ તંત્ર દ્વારા પણ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આ હુમલાની ઘટનાને લઈને શહેરના લોકોમાં ભારે રોષ છે અને ગ્રામજનોએ ન્યાયની માંગણી માટે મામલતદારને રજૂઆત કરી હતી આ સમયે પણ બહોળી સંખ્યામાં લોકો રજૂઆત કરવા જોડાયા હતા.

આ કેરલ નથી ગુજરાત છે, એટલું સમજી લેજો…હું ગૃહમંત્રીને વાત કરું છુ:ધારાસભ્યએ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા

આ હુમલાના બનાવ બાદ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા પણ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. ગુસ્સે સાથે પોલીસને ખખડાવતા કહ્યું હતું કે, આ કેરલ નથી ગુજરાત છે, એટલું સમજી લેજો.અમારા સંઘના કાર્યકર્તા પર હુમલો થાય, અમારા ભાજપના કાર્યકર્તા પર હુમલો થાય. અમારા પર આડી ગાડીઓ નાખે અને ગમે તે થાય. આખી નાવલી કોરી પડી રહે અને પોલીસનો બંદોબસ્ત ન હોય એનો મતલબ નથી. હું આઈજીપી અને એચએમ સાથે વાત કરું છું. તમારે રેકોર્ડ કરવું હોય તો કરજો પણ મેસેજ પહોચાડજો.પોલીસ સ્ટેશનની આ હાલત મને માન્ય નથી.

Exit mobile version