Site icon Gujarat Mirror

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભયાનક અકસ્માત: બસ પલટી જતાં 7ના મોત, 40 ઘાયલ

 

આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. લખનૌના ગોસાઈગંજમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક સ્લીપર બસ પલટી જતાં 7 મુસાફરોનાં મોત થયા છે અને 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બસ લુધિયાણાથી દરભંગા જઈ રહી હતી.

આજે સાંજે લગભગ 4:30 વાગ્યે જૌખંડી ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી બસે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયો હતી. અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

https://x.com/gaurav1307kumar/status/2025901824486871125?s=20

રાજ્યના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે આ ભયાનક અકસ્માત અંગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લખનૌના ગોસાઈગંજ વિસ્તારમાં હસનપુર નજીક પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અકસ્માતના સમાચાર મળ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે ઘાયલોની યોગ્ય સારવાર માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે.

તેમણે કહ્યું, “હું વ્યક્તિગત રીતે તબીબી વિભાગના સંબંધિત અધિકારીઓ, જેમાં ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે, સાથે સંપર્કમાં છું. ઘાયલોને ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ દુ:ખદ સમયે ઉત્તર પ્રદેશ સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે.”

પોલીસે એમ્બ્યુલન્સની મદદથી તમામ 40 ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં અનેક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version