ગુજરાત
હિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયો
કાલાવડના મોટા વડાળા પાસેની ઘટના : રિક્ષાચાલકે બાઈકને ઉલાળતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો
કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેતમજુરી અર્થે આવેલો યુવાન બાઈક લઈને કરિયાણુ લેવા જતો હતો ત્યારે મોટા વડાળા ગામ પાસે અજાણ્યા રિક્ષાચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડના જશાપર ગામે ખેત મજુરી અર્થે આવેલ મુળજી નેવલાભાઈ ગણાવા નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈને મોટા વડાળા ગામ પાસે પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા રિક્ષાચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની હતો. અને ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. મૃતક યુવાન મોટા વડાળા ગામે કરિયાણુ લેવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.