કુવાડવા નજીક માલિયાસણ બ્રીજ પાસે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં વાડીએથી ચાલીને ઘરે જઇ રહેલા 6પ વર્ષના વૃધ્ધ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવામાં રહેતાં વાલાભાઇ રામભાઇ કટેસણીયા (ઉ.વ.65) નામના વૃધ્ધ સાંજે ચારેક વાગ્યે વાડીએથી ઘર તરફ ચાલીને જતાં હતાં ત્યારે માલિયાસણ બ્રીજ પાસે કારની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં વાલાભાઇના સગા સંબંધી પહોંચી ગયા હતાં અને તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિં ટુંકી સારવારને અંતે મોડી રાતે તેમનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વાલાભાઇ કટેસણીયા મુળ ચોટીલાના મોલડીના વતની હતાં અને વર્ષોથી કુવાડવા રહી વાડી રાખીને વાવતા હતાં. સાજે તેઓ વાડીએથી પગપાળા કુવાડવા ખાતે ઘર તરફ આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર વાલાભાઇ ચાર બહેન અને બે ભાઈમાં ત્રીજા હતાં. સંતાનમાં પાંચ દિકરી અને બે દિકરા છે. પરિવારજનોને અકસ્માત સર્જનાર કારના નંબર મળી ગયા હોઇ તેના આધારે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે અકસ્માતના અન્ય બનાવમાં બે લોકોને ઇજા થઇ હતી. ગોંડલ રોડ માલધારી ફાટક પાસે વાહન અકસ્માતમાં રામતીરથ હીરાલાલ (ઉ.વ.50) અને સંતોષકુમાર (ઉ.વ.45)તે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

