જેતપુર પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક કરુણ ઘટનામાં જેતપુરના નવાગઢ ગામના એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરના નવાગઢ ગામે રહેતા 73 વર્ષીય વૃદ્ધ બાબુભાઈ કડવાભાઈ સાવલિયા ગત તારીખ 10-3ના રોજ પોતાના કોઈ અંગત કામ સબબ મોટર સાયકલ લઈને જેતપુરથી જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિર અને માર્કેટ યાર્ડ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા કાર ચાલકે બાબુભાઈના બાઈકને જોરદાર અડફેટે લીધું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે અકસ્માતને પગલે બાબુભાઈ રોડ પર ફંગોળાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં બાબુભાઈને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાબુભાઈ સાવલિયા નિવૃત જીવન જીવતા હતા અને તેમને સંતાનમાં બે દીકરાઓ છે. પિતાના આકસ્મિક નિધનથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. આ મામલે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર વધતા જતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
