શહેરમાં બેફામ સ્પિડે વાહન ચલાવતાં ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરની ભાગોળે મોરબી રોડ પર ગવરીદડ નજીક પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં શ્રધ્ધા પાર્કના વૃધ્ધનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે ત્યારે બીજા બનાવમાં મવડી ચોકડી પાસે મંદિરે દર્શન કરવા જતાં વૃધ્ધનું પડી જતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલા શ્રધ્ધા પાર્કમાં રહેતાં ભુપતભાઈ ગોરધનભાઈ તલસાણીયા (ઉ.68) નામના વૃધ્ધ ગઈકાલે સવારે પોતાનું સ્કુટર લઈ કાગદડી ગામે મિસ્ત્રી કામ કરવા જઈ રહ્યા હતાં. ત્યારે મોરબી રોડ પર ગવરીદડ નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા કાર ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કુટર ચાલક વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી.
કુવાડવા રોડ પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ બે ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં જીવરાજ પાર્કમાં અંબીકા ટાઉનશીપમાં રહેતાં દામજીભાઈ મોહનભાઈ ભાલીયા (ઉ.74) નામના વૃધ્ધ ગઈકાલે સાંજે મવડી ચોકડી નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં 108 મારફત સાવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટા અને નિવૃત્ત જીવન જીવતાં હતાં. તેઓ બિમાર હોવાનું અને ગઈકાલે આસ્થા ચોકડી પાસે મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે પડી જવાથી ઈજા થતાં મોત થયાનું ખુલવા પામ્યું છે. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

