રાજકોટ શહેરમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ 22 વર્ષીય જયનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ગત તારીખ 21 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ સાંઢીયા પુલના છેડે, એરપોર્ટ બગીચા પાસેના જાહેર રોડ પર બની હતી. મૃતક યુવાન જય, જે પોતાના પિતા નરેશભાઈ વિશ્વકર્માનું મોટરસાયકલ લઈને ભોમેશ્વરથી માધાપર ચોકડી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા અન્ય એક બાઇક ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.
ફરિયાદ મુજબ, સામેથી આવતા મોટરસાયકલ ના ચાલકે પોતાનું વાહન અત્યંત પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી જયના બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં જયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ લથડતા તેને ફરી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પુત્રના અકાળે અવસાનથી શોકમગ્ન પિતા નરેશભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 281, 106(1), 125(એ), 125(બી તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ બાલુભા જાડેજાને સોંપવામાં આવી છે. પોલીસે ફરાર બાઇક ચાલકની શોધખોળ શરૂૂ કરી છે અને અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે.

