Site icon Gujarat Mirror

બાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખી

ચૂંટણીના આગલા દિવસે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકના સમય અને સંખ્યા સામે પણ ઉઠયા સવાલ, સામ સામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો

પાંચમું ભેદી બેંક ખાતુ અને સંદીપ વેકરિયાના સસ્પેન્સનનો મામલો મૂકાતા જ શાસકજૂથે સામાન્ય સભા સંકેલી લીધાનો આક્ષેપ

હરિફ જૂથે કાર્યકારી પ્રમુખ નીમી ઠરાવો પસાર કર્યા, સંદીપ વેકરિયાનું સસ્પેન્સન પણ રદ, મિનિટ્સ બુક માટે ખેંચતાણ

રાજકોટ બાર એસો.ની આવતીકાલે યોજાનાર ચૂંટણી પૂર્વે આજે મળેલી સામાન્ય સભામાં ભારે ડ્રામા સર્જાયો હતો અને બાર એસો.ની ચૂંટણી લડતા બે જૂથો વચ્ચે છેલ્લી જનરલ બોર્ડમાં પણ ખેંચતાણ જોવા મળી હતી. જનરલ બોર્ડની બેઠક પત્યા બાદ મિનિટસ બુક છીનવી એક એડવોકેટ નાસી ગયાના આક્ષેપ સાથે બાર એસો.ના પ્રમુખ સમક્ષ લેખિત ફરિયાદ પણ થઇ છે. બીજી તરફ બાર એસો.નું શાસક જૂથ સામાન્ય સભા સંકેલીને સભા સ્થળ છોડી જવતા હરિક જૂથે કાર્યકારી અધ્યક્ષના નેજા હેઠળ વર્તમાન બોર્ડને બરખાસ્ત કરવા સહિતના ઠરાવો સર્વાનુમતે પાસ કર્યા હતા.

જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મિનિટ બુક એક એડવોકેટ મિનિટ બુક લઇને નાસી ગયાની ફરિયાદ થયેલ જયારે સામાપક્ષે આ આક્ષેપોને પાયા વિહોણા ગણવતા ‘વ્હાઇટ કોલર’ પ્રોફેશનમાં આંતરીક રાજકારણ ગરમાયું છે.

બાર એસોસિએશનના ઇતિહાસતમાં આજે પ્રથમ વખત રાત્રે સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ કર્યા બાદ સવારે 10 વાગ્યે સામાન્ય સભા યોજાઇ હતી. પરંતુ સામાન્ય સભામાં 4300 માંથી મિનિટસ બુકમાં માત્ર 69 સભ્યો જ હાજર દર્શાવાયા હતા. જેના કારણે કોરમ પુરુ નહીં થવા છતા શાસક જૂથે બેઠા થાળે બેઠક યોજી નાખી હતી અને બાર એસો.ની હિસાબો સહિતના ઠરાવો કબુલ- મંજૂર કરી નાખ્યા હતા.

પરંતુ ચાલુ સભાએ હરિફ જૂથના વકીલો પણ પહોંચ્યા હતા અને બાર એસો.ના નામે ખોલવામાં આવેલા પાંચમાં ભેદી ખાતાના હિસાબો રજૂ કરવા અને એડવોકેટ સંદીપ વેકરીયાના સસ્પેન્સનનો પ્રશ્ર્ન ચર્ચવા માંગ કરતા શાસક જૂથે બોર્ડ વહેલુ સંકેલી લીધાનો આક્ષેપ હરિફ જૂથે કર્યો છે.

બીજી તરફ સમરસ પેનલ બનાવનાર એડવોકેટ સુરેશ ફળદુ, મેહુલ મહેતા, પી.સી.વ્યાસ વિગેરેએ ગુજરાત મિરર કાર્યાલય ખાતે રૂબરૂ આવી જણાવ્યુ હતું કે, સામાન્ય સભા યોજતા પહેલા અઠવાડીયા અગાઉ અને મિનિમમ 24 કલાક પહેલા નોટિસ જાહેર કરવામાં આવી નથી. સભ્યો સામાન્ય સભામાં પહોંચી શકે નહી તે માટે પ્રથમ વખત સવારે 10 વાગ્યે બેઠક બોલાવાઇ હતી. આ બેઠકમાં પણ 4300માંથી માત્ર 69 સભ્યો જ હાજર રહ્યાની મીનિટસ બુકમાં સહી છે.

તેમણે જણાવેલ કે, જનરલ બોર્ડની બેઠકમાં બાર એસો.ના પાંચમાં બેંક ખાતાના હિસાબો રજૂ કરવા અને એડવોકેટ સંદીપ વેકરીયાના સસ્પેન્શનના મુદ્દે ચર્ચા કરવા અને રજૂઆત કરતા જ શાસકજૂથે બેઠક સંકેલી લઇ તેના સભ્યો બેઠક છોડીને જતા રહ્યા હતા.

તેમના કહેવા મુજબ આ દરમિયાન બેઠકમાં ઉપસ્થિત અન્ય સભ્યોએ જનરલ બોર્ડ ચાલુ રાખ્યુ હતુ અને કાર્યકારી અધ્યક્ષ તરીકે એડવોકેટ નિરવ પંડયાની નિમણુક કરી તેમા રાજકોટ બાર એસો.ની વર્તમાન બોડીને બરખાસ્ત કરવાનો તેમજ એડવોકેટ સંદીપ વેકરીયાનુ સસ્પેન્સ રદ કરવાના ઠરાવો સર્વાનુ મતે પાસ કરાયા હતા.

મિનિટસ બુક મામલે બન્ને જૂથના સામસામા આક્ષેપો

રાજકોટ બાર એસો.ની સામાન્ય સભામાં મીનીટસ બુકનો મામલો સળગ્યો છે. બોર્ડ બેઠકમાંથી સમરસ પેનલના ઉમેદવાર મેહુલ મહેતા લાઇબ્રેરીયન તુષાર ચૌહાણ પાસેથી મિનિટસ બુક ઝુંટવીને ભાગી ગયાની ફરીયાદ પોલીસ દફતર સુધી પહોંચી છે.

ફરીયાદમાં જણાવાયું છે કે, રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડ તા.18ને ગુરુવાર ના રોજ સવારે 10-00 કલાકે નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગમાં, પહેલા માળે, ઇ-વિંગમાં બાર રૂૂમમાં બાર બારના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જનરલ બોર્ડ ની શરૂૂઆત થઈ હતી જેમાં પ્રમુખ પરેશ મારું દ્વારા હિસાબ કિતાબ અને કરેલી કામગીરીનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત વકીલો દ્વારા બહુમતીથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી ત્યારબાદ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના સેક્રેટરીના ઉમેદવાર મેહુલ મહેતા દ્વારા બાર એસોસિએશનના કર્મચારી પાસેથી મિનિટસ બુક્સ આચકીને ભાગી ગયા હતા તેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જયારે સમરસ પેનલના સુરેશ ફળદુ, પી.સી. વ્યાસ, મેહુલ મહેતા અને અજય જોશીએ ગુજરાત મિરર કાર્યાલયે રૂબરૂ આવીને જણાવ્યું હતું કે, બોર્ડમાં કાર્યકારી અધ્યક્ષ નિરવ પંડયા પાસે જ મિનિટસ બુક ગઇ હતી અને તેણે ઠરાવો લખ્યા બાદ કર્મચારી મિતેશ વાળાને સોંપી છે અને મિનિટસબુક તેની પાસે જ છે. આ અંગેનો વીડીયો પણ તેમણે જાહેર કર્યો હતો અને જણાવ્યુ હતું કે ચુંટણીના કારણે મેહુલ મહેતા સામે ખોટી અરજી કરાવી છે.

 

Exit mobile version