રેપ પીડિતા દ્વારા બાળકના જન્મ બાદ કુટુંબ ન રાખવા ઇચ્છે તો દત્તક આપવાની પ્રક્રિયા કરવા આદેશ
પોરબંદરની 15 વર્ષની રેપ પીડિતાને 27 સપ્તાહથી વધુના ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટે તબીબી અભિપ્રાય બાદ ઇનકાર કર્યો છે. આ કેસની પીડિતા અને તેના કુટુંબની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાનું કેસ દરમિયાન સામે આવ્યું હતું. તેની સાથે જ પીડિતાની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિ જોતાં જન્મ બાદ બાળકની જવાબદારી એ નહીં ઉપાડી શકે એવી રજૂઆત પણ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે આદેશ કર્યો છે પીડિતાની બાળકના જન્મ પહેલાં અને પછીની તમામ તબીબી સારવારનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે અને ત્યારબાદ જો તે બાળકને ન રાખવા ઇચ્છે તો તેને દત્તક આપવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવી.
આ કેસમાં પીડિતા તરફથી હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી હતી. તે ઉપરાંત સમગ્ર મામલે પોરબંદરના બગવાદર પોલીસ સ્ટેશનમાં રેપ સહિતની ફરિયાદ નોંધાઇ હોવાથી ગર્ભપાત બાદ ભૃણના ટીસ્યુને ડીએનએ તપાસ માટે મોકલી આરોપી સુધી પહોંચી કાનૂની કાર્યવાહી કરવાની દાદ માંગવામાં આવી હતી.
હાઇકોર્ટે આ મામલે પીડિતાની શારીરિક અને માનસિક હાલત અંગે રિપોર્ટ રજૂ કરવા નિષ્ણાત તબીબોનો આદેશ કર્યો હતો. જે રિપોર્ટ મુજબ પીડિતાને 27 સપ્તાહ અને ત્રણ દિવસનું ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. ગર્ભ વધુ સપ્તાહનો હોવાથી તબીબોને ગર્ભપાત નહીં કરવાનો અભિપ્રાય પણ રજૂ કર્યો હતો.
આ જાણકારી હાઇકોર્ટ દ્વારા સુનાવણીમાં પીડિતાના એડવોકેટને આપવામાં આવી હતી. ત્યારે પીડિતાના પક્ષે એવી રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતા ગર્ભપાત કરાવવા નથી માંગતી. પરંતુ તે અને તેનું કુટુંબ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. તેના માતા-પિતા ખેતમજૂર છે. પીડિતાને જ્યારે 25 સપ્તાહનું ગર્ભ થઇ ગયું હતું, ત્યારે તેમને એના વિશે જાણ થઇ હતી અને તેમણે તાત્કાલીક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એની સાથે જ ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
પીડિતા માત્ર 15 વર્ષની છે અને તેની માનસિક અને શારીરિક હાલત જોતાં તે બાળકના ઉછેરની જવાબદારી ઉપાડી શકે એમ લાગતું નથી. તેથી તેમને રાજ્ય સરકાર તરફથી યોગ્ય આર્થિક મદદ મળવી જોઇએ અને જો તે બાળક ન રાખવા ઇચ્છે તો પોરબંદરની એડોપ્શન એજન્સીને બાળક સોંપવાનો આદેશ કરવો જોઇએ. હાઇકોર્ટે ઉક્ત રજૂઆતને ધ્યાને લેતાં અને પીડિતા અને તેના કુટુંબની પરિસ્થિતિને જોતાં ગર્ભપાતનો ઇનકાર કર્યો હતો. જ્યારે કે પીડિતાને જરૂૂરી તમામ સ્વાસ્થ્ય સેવાઓ પુરી પાડવા અને પ્રસૂતિ માટેની વ્યવસ્થા કરી આપવા જામનગરની સરકારી હોસ્પિટલને આદેશ કર્યો છે. સાથે જ બાળકના જન્મ બાદ પીડિતા અને તેના કુટુંબની ઇચ્છા જાણીને જો તેઓ બાળક ન રાખવા માંગતા હોય તો તેને દત્તક આપવા માટેની કાયદેસરની તમામ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

