જામનગરના બ્રાસ તથા મેટલ સ્ક્રેપના વેપારીની રૂૂ 10.81 કરોડોની ખોટી વેરાશાખ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જેલ હવાલે રહેલા વેપારીને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ જામનગરના બ્રાસ તથા મેટલ સ્ક્રેપના વેપારી સુનિલ મંડોવરાના ધંધા તથા રહેઠાણના સ્થળે ડી.જી.જી.આઈ. અમદાવાદ વિભાગ દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
સર્ચ ઓપરેશનના અંતે વેપારી દ્વારા ગુજરાત તેમજ બહારના રાજ્યોના કેટલાક વેપારીઓ પાસેથી ખરીદી કરી રૂૂ.10.81 કરોડની જે વેરાશાખ ભોગવેલ છે તે વેચનાર વેપારીઓ બોગસ હોય તેઓ દ્વારા છેતરપિંડી આચરી ખોટી વેરાશાખ તબદીલ કરેલ હોય જે વેપારી સુનિલ મંડોવરાએ ભોગવેલ હોય આરોપી વેપારીની જી.એસ.ટી. કાયદાની કલમ 132(1)(સી)ના ગુના સબબ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં કરવામાં આવ્યા હતા. જેલ હવાલે રહેલા વેપારીએ જામીન મુક્ત થવા પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા વેપારીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલના કેસમાં જી.એસ.ટી. વિભાગ દ્વારા તદ્દન ખોટી તથા ગેરવ્યાજબી રીતે જી.એસ.ટી. કાયદાની કલમ 132(1)(સી) નું મનસ્વી અર્થઘટન કરી ધરપકડ કરવામાં આવી છે.
જી.એસ.ટી. કાયદાની કલમ 132(1)(સી) મુજબ માલની ભૌતિક ડિલિવરી મેળવ્યા વગર ફક્ત બિલો મેળવી વેરાશાખ લીધેલ હોય તો જ ગુનો બને છે. જી.એસ.ટી. વિભાગ દ્વારા અરજદાર વેપારીના માલના ટ્રકો રોકીને જપ્ત કરવામાં આવેલ અને જે માલ છોડાવવા વેપારી દ્વારા રીટ પિટિશન દાખલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા શરતોને આધીન માલ-વાહન છોડવામાં આવ્યા છે. વેચનાર વેપારી દ્વારા વેરો ન ભરવાના તથા ખોટી વેરાશાખ મેળવી તબદીલ કરવાના કિસ્સામાં જી.એસ.ટી. કાયદાની કલમ 16(2)(સી) મુજબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરી શકાય પરંતુ કલમ 132(1)(સી) મુજબ તે ગુનો બનતો નથી સહિતની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટ દ્વારા અરજદાર વેપારીને શરતોને આધીન જામીન મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં વેપારી વતી હાઇકોર્ટના ધારાશાસ્ત્રી અપૂર્વ. એન. મહેતા અને જયદીપ એમ. કુકડીયા રોકાયા હતા.
