રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ વધુ બે મહિલાના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જ્યારે એક મહિલાનું બેભાન હાલતમાં મૃત્યુ નિપજતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આજીડેમ ચોકડી પાસે ભવાની કોમ્પલેક્ષમાં રહેતાં સવિતાબેન રજનીકાંતભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.40) નામના મહિલા રાતે એકાદ વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર સવિતાબેનના પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરી છે. સવિતાબેનને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં બાબરાના દેવળીયા ગામે રહેતાં શાંતાબેન શંભુભાઇ સોરઠીયા (ઉ.વ.57)ને સાંજે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સ્થાનીક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મૃતકને સંતાનમા એક દિકરો અને એક દિકરી છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં રૈયા ગામ 50 વારીયામાં રહેતાં પ્રીતિબેન અજયભાઇ સોલંકી (ઉ.વ.47) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રીતિબેનને બિમારી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

