Site icon Gujarat Mirror

હૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા રેસીડેન્સીમાં અને થોરાળા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા રેસીડેન્સીમાં રહેતા ચેતનાબેન ભાવેશભાઈ ભટ્ટ નામના 45 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ચેતનાબેન ભટ્ટનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો. મૃતક ચેતનાબેન ભટ્ટને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા રતનબેન અરવિંદભાઈ ખંડલી નામના 48 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પ્રોઢાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કુતિયાણા ગામે રહેતા ગીતાબેન અમૃતલાલ જાદવ નામના 50 વર્ષના પ્રોઢા કણકોટ રોડ ઉપર આવેલ પંચરત્ન પાર્કમાં રહેતા બહેન હંસાબેનના ઘરે આવ્યા હતા ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. જ્યારે જીવરાજપાર્ક અંબિકા ટાઉનશિપમાં રહેતા અશ્વિનભાઈ પરસોતમ ડઢાણીયા (ઉ.વ.41)ને બીમારી સબબ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નિપજતા બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version