Site icon Gujarat Mirror

હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈ

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે વ્યક્તિના હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મોટા મોવા વિસ્તારમાં માસુમ વિદ્યાલય પાસે આવેલા સંકલ્પ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા રામજીભાઈ ધનજીભાઈ હરસોડા નામના 43 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અંકુર વિદ્યાલય મેઇન રોડ ઉપર આવેલ ભોલેનાથ સોસાયટીમાં રહેતા જયંતીભાઈ કરસનભાઈ કંસારા નામના 59 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version