Site icon Gujarat Mirror

હાર્ટએટેક: બજરંગ દળના કાર્યકર સહિત ત્રણના શ્ર્વાસ થંભી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક જીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં હરસિધ્ધિ સોસાયટીમાં રિક્ષા ચાલક અને બજરંગ દળના કાર્યકર, પારડીમાં શ્રમિક અને ભંગડામાં ખેડૂતનું મોત નિપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં હરસિધ્ધિ સોસાયટીમાં રહેતાં અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વિનેશભાઈ કાંતિભાઈ ડોડીયા (ઉ.50) રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. મૃતક આધેડ બે ભાઈ બે બહેનમાં મોટા અને અપરિણીત હતાં. મૃતક આધેડ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં અને બજરંગ દળના કાર્યકર હતાં.

બીજા બનાવમાં પારડી ગામે રહેતાં અને લોઠડા ગામે કારખાનામાં કામ કરતાં વંશરાજ લાલજીભાઈ બીંદ નામનો 40 વર્ષનો શ્રમિક યુવાનને રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન મુળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને ચાર ભાઈ એક બહેનમાં મોટો હતો. મૃતક યુવકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

ત્રીજા બનાવમાં રાજકોટના ભંગડા ગામે રહેતાં અને ખેતી કામ કરતાં માણસુરભાઈ પુનાભાઈ પરમાર (ઉ.82)ને હાર્ટએટેક આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં યુવકનું હાર્ટ બેસી ગયું
જામનગર શહેરના રામનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાન વિપુલ ગોગનભાઈ લીંબડને રવિવારે મોડી રાત્રે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 24 વર્ષની વયે હાર્ટ એટેકથી થયેલા આ દુ:ખદ અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Exit mobile version