Site icon Gujarat Mirror

હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

મોકાજી સર્કલ પાસે આધેડ અને ગોપાલ ચોકમાં શ્રમિક યુવાનનુ હાર્ટ બેસી જતા મોત

રાજકોટ સહીત રાજયભરનાં હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે માનવ જીંદગી કાળનાં ખપરમા હોમાઇ છે જેમા મોકાજી સર્કલ પાસે આધેડ અને ગોપાલ ચોકમા શ્રમીક યુવકનુ હૃદય બેસી જતા મોત નીપજયુ હતુ. આધેડ અને યુવકનાં મોતથી બંને પરીવારમા શોકની લાગણી પ્રસરી છે .

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલ સિલ્વર ગોલ્ડન રેસીડેન્સીમા રહેતા ચંદુલાલ આંબાભાઇ રૂપાવટીયા નામનાં પ8 વર્ષનાં આધેડ પોતાનાં ઘરે હતા ત્યારે સંધ્યા ટાણે બેભાન હાલતમા ઢળી પડયા હતા.

આધેડને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા આધેડની સારવાર કારગત નીવડે તે પુર્વે જ ફરજ પરનાં તબીબે આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. મૃતક આધેડ બે ભાઇ એક બહેનમા નાના હતા . અને તેમને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમા સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોકમા બાંધકામની સાઇટ પર રહેતા હેતુમણી પુરહીરભાઇ નામનો 40 વર્ષનો શ્રમીક યુવાન રાત્રીનાં બાંધકામ સાઇટ પર હતો.

ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે. મૃતક યુવાન મુળ ઓરીસાનો વતની હોવાનુ જાણવા મળ્યુ છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

Exit mobile version