રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હાયે તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હ્રદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પ્રધ્યુમન પાર્ક પાસે આવેલા ટ્રાન્સપોર્ટનગરમાં રહેતાં અમનકુમાર જગબહાદુર પંજાબી નામો 27 વર્ષનો યુવાન રાત્રીના 12 વાગ્યાના અરસામાં જમીને પોતાની ડીસ ઉપાડવા જતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન મુળ પંજાબનો વતની હતો અને ત્રણ ભાઈમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતાં અને આર.એમ.સી.માં આરોગ્ય શાખામાં ફીલ્ડ વર્કમાં કામ કરતાં બળવંતભાઈ ગગજીભાઈ વાડોદરા (ઉ.59) પોતાના ઘરે હતાં ત્યારે વહેલી સવારે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

