Site icon Gujarat Mirror

હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

રાજકોટમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયાના વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં 24 કલાકમાં હૃદયરોગના હુમલાએ પાંચ લોકોનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયા ગામના વૃધ્ધનું મોત નિપજ્યું છે. પાંચેય લોકોના મોતથી તેમના પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમાં રહેતાં નિવૃત્ત શિક્ષક ફીરોજભાઈ નવનિતભાઈ ભટ્ટ (ઉ.63) પોતાના ઘરે હતાં ત્યારે સંધ્યા ટાણે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્રીહોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતા હરેશભાઈ રાવલદાસભાઈ ગોપલાણી (ઉ.46) રાત્રીના સમયે પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રોઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હરેશભાઈ બે ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્રી છે. હરેશભાઈ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.

ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર એસ. ટી.વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતા સત્યદેવસિંહ જયરામસિંહ યાદવ નામના 52 વર્ષના બિહારી આધેડને હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.

ચોથા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતાં અને એકલવાયુ જીવન જીવતાં દિનેશભાઈ લાલજીભાઈ ચાવડા નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતાં ડોકટરે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.
પાંચમાં બનાવમાં રાજકોટની ભાગોળે આવેલા ઢાંઢીયા ગામે રહેતા અને કંપનીમાં માળીનું કામ કરતાં તેજાભાઈ પોલાભાઈ ઓળકીયા (ઉ.70) ત્રંબા ગામે આવેલ સાર્થિક ફાર્મ કંપનીમાં હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version