Site icon Gujarat Mirror

હાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક વધુ 2ને ભરખી ગયો હતો. માર્કેટ યાર્ડના વેપારી મિત્રની દુકાને ખરીદી કરવા ગયા હતા ત્યારે ત્યા જ ઢળી પડતા તેમનુ મોત નિપજ્યુ હતું. જયારે ગાંધીગ્રામમાં રહેતા રિક્ષા ચાલક આધેડને ચાલુ રિક્ષાએ હાર્ટએટેક આવી જતા તેમનુ મોત નિપજ્યુ હતું. રિક્ષા ચાલકના પુત્રના 20 દિવસ બાદ લગ્ન હોય ત્યારે લગ્ન પૂર્વેજ પિતાનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ સાધુવાસણવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલી પાટીદાર રેસીડેન્સી શેરી નં.3માં રહેતા અને બેડી માર્કેટ યાર્ડમાં વી.કે.પટેલ નામની પેઢી ધરાવતા વેપારી નલીનભાઇ ઉર્ફે નરોતમભાઇ અરમશીભાઇ દેત્રોજા (ઉ.વ.55)નામના આધેડ ગઇકાલે સાંજે મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી તેમના મિત્ર વિનોદભાઇની સરદાર હાર્ડવેર નામની દુકાને ખેતીના ઓજાર લેવા માટે ગયા હતા ત્યારે ત્યા ઉલ્ટી થયા બાદ ચક્કર આવતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેકથી મોત થયાનુ જાહેર કર્યુ હતું.

આ અંગે બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.

જયારે બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર શેરી નં.7માં રહેતા રિક્ષા ચાલક શાલમબીન સુલેમાનભાઇ કથીરી (ઉ.વ.48)નામના આધેડ આજે સવારે 10 વાગ્યાના અરસામાં પોતાની રિક્ષા લઇ જતા હતા ત્યારે ગાંધીગ્રામમાં વિતરાગ સોસાયટી પાસે પહોંચતા ચાલુ રિક્ષાએ એટેક આવી જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમવતા અન્ય એક વ્યક્તિ સાથે રિક્ષા અથડાતા તે રાહદારીને સામાન્ય ઇજા થઇ હતી. જયારે શાલમબીન બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે હાર્ટએટેક આવતા મોત થયાનું જણાવ્યુ હતું.

આ અંગે ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર હોય જે પુત્ર ફરદીનના 20 દિવસ બાદ લગ્ન હતા ત્યારે લગ્ન પૂર્વેજ પિતાનુ હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Exit mobile version