Site icon Gujarat Mirror

હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત

oplus_2097184

બજરંગવાડીના મહિલા ગાયકવાડીમાં સબંધીના ઘરે હતા ત્યારે હૃદય બેસી ગયું

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના દૂધસાગર રોડ, ગોંડલ રોડ અને કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.જે દર્શાવે છે કે હૃદયરોગ હવે કોઈપણ વયના વ્યક્તિને નિશાન બનાવી રહ્યો છે.

પ્રથમ કિસ્સામાં, દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા 59 વર્ષીય રાજેશ્રીબેન જીતેન્દ્રભાઈ નિર્મલનું હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. આ જ નામ ધરાવતી બીજી એક સોસાયટી, જે ગોંડલ રોડ પર આવેલી છે, ત્યાં પણ એક કરુણ ઘટના બની હતી. અહીં રહેતા 45 વર્ષીય પરેશભાઈ મગનભાઈ ગોહિલ ગઈકાલે સવારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબી તપાસમાં તેમનું મોત પણ હાર્ટ એટેકથી થયું હોવાનું બહાર આવ્યું છે. અન્ય એક બનાવમાં, બજરંગ વાળી વિસ્તારના રાજીવ નગરમાં રહેતા નજમાબેન કુરેશી નામના મહિલાનું પણ મોત થયું છે. તેઓ ગઈકાલે રાત્રે ગાયકવાડીમાં પોતાના સંબંધી શાહનવાજના ઘરે ગયા હતા, જ્યાં તેમને અચાનક શ્વાસ ચડવા લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. બેભાન અવસ્થામાં જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટની પાછળ આવેલી લક્ષ્મણ પાર્ક સોસાયટીમાં રહેતા 80 વર્ષીય રતનબેનનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું. વધતી ઉંમરની સાથે આવેલો આ હુમલો જીવલેણ સાબિત થયો હતો. પાંચમો બનાવ સહકાર મેઈન રોડ પર આવેલા નારાયણ નગરમાં બન્યો હતો. અહીં રહેતા 57 વર્ષીય પરબતભાઈ નામના આધેડ આજે સવારે પોતાના નિત્યક્રમમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું.

Exit mobile version