Site icon Gujarat Mirror

જંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યા

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી, જે અંતર્ગત ચાલી રહેલી સુનાવણીના અંતે ગેરહાજર રહેલા 400 લોકોને પુન: નોટિસ પાઠવી આજે રૂૂબરૂૂ પુરાવા સાથે હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો.

જંગલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરી મકાનો બનાવી લેનાર આસામીઓને ગત 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આધાર-પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું હતું. આ સમયગાળા દરમિયાન મોટાભાગના લોકોએ પોતાના દસ્તાવેજો રજૂ કર્યા હતા, પરંતુ 400 જેટલા લોકો પુરાવા સાથે હાજર રહ્યા નહોતા.

તંત્ર દ્વારા ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂૂપે આ 400 લોકોને વધુ એક તક આપી આજે જૂની ચૂંટણી કલેક્ટર કચેરી ખાતે આવેલી પૂર્વ મામલતદાર કચેરીમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. અહીં લોકોના નિવેદનો નોંધવાની અને પુરાવા એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ કામગીરીની વિશાળતાને જોતા પૂર્વ મામલતદાર કચેરી દ્વારા અન્ય વિભાગોની મદદ લેવામાં આવી છે. સુનાવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે 3 નાયબ મામલતદારોને વિશેષ ફરજ પર મુકાયા છે.10 રેવન્યુ તલાટીઓને અન્ય કચેરીમાંથી બોલાવી જવાબદારી સોંપાઈ છે.

Exit mobile version