વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોને ઉમટી પડવા હાકલ, કલેકટર કચેરી સાથે સંવાદ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ સાથે નાયબ મુખ્યમંત્રીની હળવા મને ચર્ચા
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે રાજ્યના સર્વાંગી વિકાસના હેતુસર ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે ઊભી હોવાની ખાતરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ આ તકે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જેવા પ્લેટફોર્મ થકી રાજ્યમાં રોકાણ વધારવા અને ગુજરાતના વિકાસને પાંખો આપવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. આ અવસરે નાયબ મુખ્યમંત્રીના હસ્તે 10,435 ઉદ્યોગ સાહસિકોને રૂૂ. 956.51 કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની વિવિધ યોજના હેઠળ 137 ઉદ્યોગોને રૂા. 661 કરોડના મંજૂરીપત્રોના વિતરણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે સંવાદ કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યના ઉદ્યોગકારો સાહસ અને રોકાણ કરીને હજારો, લાખો યુવાનોના સપના સાકાર કરે છે, ત્યારે રાજ્ય સરકાર પણ ઉદ્યોગકારોના પ્રશ્નો હલ કરીને, તેઓ સરળતાથી રોકાણ, ઉત્પાદન કરીને ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકે તે દિશામાં આગવા અભિગમ સાથે પ્રયત્નશીલ છે.
રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે જ. રાજકોટ હાલ રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે રોકેટ ગતિએ ઊડી રહ્યું છે. આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં થવા જઈ રહી છે અને 11મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેનો પ્રારંભ કરાવવાના છે. આ કોન્ફરન્સથી રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને બહુ મોટું પ્લેટફોર્મ અને બુસ્ટ મળશે.
આ તકે તેમણે કહ્યું હતું કે, દેશમાં પહેલીવાર ખૂબ જ ટૂંકા સમયમાં રાજ્યમાં 16થી વધુ જી.આઈ.ડી.સી. માટે જગ્યાની ઓળખ કરીને તેને ફાળવવાની કામગીરી મહેસૂલ વિભાગે કરી છે, જે પ્રશંસનીય છે. આ બેઠકનો ધ્યેય સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારોને તેમના પ્રશ્નો કે રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ના પડે, તેમના નાના મોટા પ્રશ્નોનો તત્કાલ નિકાલ કરી શકાય તે માટે સરકાર વિવિધ વિભાગો સાથે તમારે દ્વાર આવી છે.
આ તકે તેમણે રાજ્યની ઔદ્યોગિક નીતિ હેઠળ આજે 10,435 ઉદ્યોગ સાહસિકોને રૂૂપિયા 956.51 કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની ટેક્સટાઇલ, ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ, ઔદ્યોગિક માળખા વગેરે જેવી વિવિધ યોજના હેઠળ 137 ઉદ્યોગ સાહસિકોને રૂૂ. 661 કરોડના મંજૂરીપત્રોનું વિતરણ કરવાની જાહેરાત પણ કરી હતી.
અગાઉ રોજની 225 જેટલી સબસીડી અપાતી હતી હવે 450 અપાય છે
નાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા થઈ રહેલી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, એમ.એસ.એમ.ઇ.નો વિકાસમાં મહત્વનો ફાળો હોય છે. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ સેક્ટરને બુસ્ટ કરવા પ્રયાસ કરી રહી છે. આ માટે વહીવટી તેમજ કાગળ પરની પ્રક્રિયાઓ સરળ બનાવીને ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોના હિત માટે રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, અગાઉ રોજ 225 જેટલા ઉદ્યોગકારોને સબસીડી અપાતી, હવે રોજ 450 સબસીડી મંજૂર કરાય છે અને આગામી દિવસોમાં રોજની 700 સબસીડીની મંજૂરી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

