ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર લેબનું લોકાર્પણ; યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ પોલીસની સાથે અત્યાધુનિક સાયબર લેબમાં કામ કરશે
ગુજરાતમાં દિનપ્રતિદિન સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને ફસાવી આર્થિક રીતે લૂંટી રહ્યા છે. છેતરપિંડી આચરનારાઓ અન્ય રાજ્ય કે વિદેશમાં બેસીને ખેલ પાડતા હોવાથી પોલીસને આવા સાઈબર માફિયા સુધી પહોચવામાં સરળતા રહે તે હેતુથી અને લોકો સાયબર ગઠિયાઓની જાળમાં ફસાતા અટકે તેમજ જે ગુનાઓ બને છે તેનું ઝડપથી ડિટેક્શન થાય તે માટે તપાસમાં મદદરૂૂપ મળે તેવા આશયથી રાજકોટમાં અત્યાધુનિક સાયબર લેબ બનાવવા બનાવવામાં આવી છે જેનું આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
રાજકોટમાં જામનગર રોડ ઉપર સ્થિત સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રૂૂ.5 કરોડના ખર્ચે પીપીપી યોજના હેઠળ ગુજરાતની પ્રથમ સાયબર લેબ આજે કાર્યરત થશે. રિસર્ચ અને ઇન્વેસ્ટિગેશનને મદદરૂૂપ બનનારી આ અત્યાધુનિક સાયબર લેબમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ પોલીસની સાથે કામ કરશે. જેના માટે વિવિધ કોલેજો સાથે એમઓયુ પણ કરવામાં આવશે. ગુનો બન્યા બાદ આરોપીઓને પકડવામાં આવે છે, પરંતુ સાયબર ક્રાઇમમાં ગુનો બને જ નહીં અથવા ન્યૂનતમ પ્રમાણમાં બને તેવા હેતુથી આ લેબોરેટરી મદદરૂૂપ બનશે.
સોશિયલ મીડિયામાં એવી અનેક એપ્લીકેશન છે જે લોનના નામે લોકોને પોતાની જાળમાં ફસાવે છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમ પર આવી અનેક સાઇટ જોવા મળે છે અને લોકો પોતાની આર્થિક જરૂૂરિયાત પૂરી કરવા માટે આ લિંક ઓપન કરે છે. ત્યારે તેઓ જાણતા નથી કે ખરેખર આ એપ સાચી છે કે ખોટી અને ખોટી એપ ઓપન કરતાં જ તેઓને નાણાં ગુમાવવા પડે છે, હવે રાજકોટની અત્યાધુનિક સાયબર લેબની ટીમ આવી ફેક આઇડી શોધી કાઢશે અને લોકોને આ અંગે જાગૃત કરશે જેથી લોકો છેતરાતા બચશે, આમ આવા ગુના ન બને તે હેતુથી આ કામગીરી થશે. આ ઉપરાંત ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે પણ અત્યાધુનિક સાયબર લેબ આરોપીઓ સુધી પહોંચવામાં શેહર પોલીસને મદદરૂૂપ બનશે. આ લેબમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના માંથી ખાસ ટેકિનકલ જાણકાર સ્ટાફની નિમણુક કરવામાં આવી છે.
ગુહ મંત્રી હર્ષ સંઘવી અત્યાધુનિક સાયબર લેબનું લોકાર્પણ કરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાથે ક્રાઈમ બ્રાંચના કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક પણ યોજશે જેમાં સાયબર ક્રાઈમના સ્ટાફ દ્વારા અત્યાધુનિક સાયબર લેબનું વિડીયો પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે.
સાયબર ક્રાઈમ એસીપીની જગ્યા છેલ્લા 10 મહિનાથી ખાલી
રાજકોટ શહેરમાં સાયબર ફ્રોડના બનાવી દિનપ્રતિદિન વધી રહ્યા છે. સાઈબર ક્રાઈમ પોલીસ મથક માં દરરોજ આશરે 80 જેટલી અરજીઓ આવે છે. ગત વર્ષે આશરે 3500 થી 4000 જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાય છે જેમાં કરોડની છેતરપિંડી થાય છે. આ આંકડા પરથી સમજી શકાય કે રાજકોટની જનતા સાયબર ફ્રોડમાં ફસાઈ કરોડોની રકમ ગુમાવે છે. સાયબર ગઠીયાઓને નાથવા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે અત્યાધુનિક સાયબર લેબનું આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થવાનું છે પરતું રાજકોટ સાઈબર ક્રાઈમ એસીપીની જગ્યા છેલ્લા 10 મહિનાની ખાલી છે. રાજકોટની અત્યાધુનિક સાયબર લેબનો જેમણે પાયો નાખ્યો તે એસીપી વિશાલ રબારી જેમની સુરેન્દ્રનગર ખાતે બદલી થયા બાદ છેલ્લા 10 મહિનાથી આ જગ્યા ખાલી છે અને હજુ સુધી ગૃહ વિભાગ દ્વારા કોઈ ને પોસ્ટીંગ અપાયું નથી.

