સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને 26 વર્ષ પૂર્વે ઈ.સ.1998માં પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. આ મંદિરના 26મા પાટોત્સવે મહંતસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદથી ષોડશોપચાર પૂજનવિધિ અને અભિષેકવિધિ તેમજ પાટોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના 20 થી અધિક સંતો ઉપસ્થિત રહ્યા હતા.પાટોત્સવની ઉજવણી અંતર્ગત નિજ મંદિરમાં સવારે 7:30 વાગ્યે સંતોની હાજરીમાં ઠાકોરજીને પંચામૃત જળથી અભિષેકવિધી અને ષોડશોપચાર પૂજનવિધી વિદ્વાન ભૂદેવો દ્વારા સંપન્ન થઈ હતી. ત્યારબાદ ભગવાનને નૂતન આભૂષણો અને અલંકારયુકત વાઘા પહેરાવી અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ઠાકોરજીની શણગાર આરતી સંપન્ન થઈ હતી.
આરતી બાદ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પાટોત્સવ વિધિને અનુસરીને રાજકોટ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી દ્વારા મહાપૂજા વિધિ સંપન્ન થઈ હતી. જેમાં સંતો તથા ઉપસ્થિત તમામ હરિભક્તોએ ભગવાન સમક્ષ ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં સુશાંતિ સ્થપાય અને ભારત દેશ અને વિશ્વના તમામ ભક્તો-ભાવિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોને ઠાકોરજીને અભિષેક કરવાનો લાભ પ્રાપ્ત થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોના નિર્માણ કરીને ભારતની ભવ્ય વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી છે. જેનો લાભ પામી અનેક પરિવારો જીવનને કૃતાર્થ કરી રહ્યા છે.રાજકોટ મંદિરના સુશિક્ષિત અને સુચરિત 21 સંતો દ્વારા માર્ગદર્શિત વિવિધ આધ્યાત્મિક અને સામાજીક પ્રવૃતિઓ દ્વારા બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો પોતાનું જીવન ચારિત્ર્યવાન અને સત્સંગ પ્રધાન બનાવી કલ્યાણના માર્ગે આગળ વધી રહ્યા છે. દર રવિવારે યોજાતી વિવિધ સભાઓ દ્વારા બાળકો શિક્ષણ સાથે સંસ્કાર શીખે છે, યુવાનો સેવા અને સમર્પણના પાઠો દ્રઢાવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ છે, મહિલાઓ નારી શક્તિને ઉજાગર કરે છે, વડીલો સમજણનો સેતુ વધુ દૃઢ કરે છે. સાથે સમગ્ર વર્ષ દરમ્યાન યોજાતા ઉત્સવો દ્વારા મંદિર સનાતન હિંદુ સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાને જીવંત રાખી પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે છે. તો વળી આફત સમયે આધાર બની સમાજને મદદરૂૂપ પણ થાય છે.

