Site icon Gujarat Mirror

ખંભાળિયામાં સોનલ બીજની ભવ્ય ઉજવણી: ભવ્ય શોભાયાત્રા

સોનલ બીજના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા શહેર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. સમસ્ત ચારણ સમાજ દ્વારા ગઈકાલે સોમવારે આઈ શ્રી સોનલ માતાજીના 102મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ચાર કિલોમીટર જેટલી લાંબી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. રાસ-ગરબા અને દાંડિયાની રમઝટ સાથે માતાજીના જયઘોષથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે માત્ર ખંભાળિયા જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. ખંભાળિયા સ્થિત સોનલ માતાજીના મંદિરે આજે દિવસ દરમિયાન વિશેષ આરતી, મહાપ્રસાદ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

વહેલી સવારથી શોભાયાત્રા બાદ હવન-હોમ, સંતો દ્વારા પ્રવચન અને સાહિત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો અને દાંડિયા રાસ-ગરબા પણ યોજાયા હતા. આ ઉપરાંત પ્રસાદીના દાતા રામભાઈ રૂૂખડભાઈ મધુડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંજની મહાઆરતી બાદ રાત્રે જાણીતા કલાકારો સાથેની ભજન-સંતવાણીની પણ ભાવભીની જમાવટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન માટે ચારણ (ગઢવી) સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. (તસવીર: કુંજન રાડિયા)

Exit mobile version