જામનગર શહેરના અંબર ચોકડી નજીક બે દિવસ પહેલાં બનેલા એક પ્રૌઢની હત્યાના બનાવમાં સિટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી લીધી છે, જે પૈકી બે આરોપીઓ પોલીસના હાથમાં આવી ગયા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.
જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં એક પ્રૌઢ ને ચોરીના આરોપસર એક ગોડાઉનમાં બાંધી રાખીને રાતભર મારકૂટ કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અને મારકુટ બાદ તેનું મૃત્યુ નીપજયું હતું, અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટના ખુલાસા બાદ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંબર ચોકડી નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી (ઉંમર 55) તથા તેમના સાથે રહેલા સંજયભાઈ ગત તારીખ 30 ના સાંજે પોતાના ઘર નજીક બેઠા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ચાર અજાણ્યા શખસોએ દુકાનમાંથી તાંબાની નળીની ચોરી કર્યાની શંકા રાખીને બંનેને બળજબરી પૂર્વક ઉઠાવી લેવાયા હતા.
ચારેય આરોપીઓ બંનેને બાઈક પર બેસાડી ચર્ચ પાછળ આવેલા એક ડેલામાં લઈ ગયા હતા, જ્યાં તેમને ગોડાઉનમાં બાંધી રાખીને રાતભર મારકૂટ કરવામાં આવી હતી. વહેલી સવારમાં બંનેને બહાર મુકતા રાજુભાઈ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સંજયભાઈને ગંભીર ઈજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મૃતકના જમાઈ ઉદલભાઈએ અજાણ્યા ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સિટી બી.ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલામાં ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાઈક પર આવેલા ચારેય શખ્સોની ઓળખ કરી લેવામાં આવી હતી.
જેમાં સાગર ડાયાલાલ નકુમ, ઋષિ ચૌહાણ, પુનિત રાઠોડ અને હેમતસિંહ ગોહિલના નામ સામે આવ્યા છે. હાલમાં પોલીસે ઋષિ ચૌહાણ અને હેમતસિંહ ગોહિલ ને ઝડપી લીધા છે જેઓ પાસેથી એક મોટરસાયકલ કબજે કરી લેવામાં આવ્યું છે ઉપરાંત હુમલામાં વપરાયેલા હથિયારો વગેરે કબજે કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તેઓના અન્ય બે સાથી સાગર તેમજ પુનિત કે જે બંને ફરારી થયા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે.
