Site icon Gujarat Mirror

ચોટીલાના આણંદપુરની સીમમાં જમીનમાં દાટેલો 5.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કડક અધિકારી ની છાપ ધરાવતા પોલીસ અધિક્ષક હોવા છતા યાત્રાધામ ચોટીલા પંથકમાં અનેક પ્રકારની બદીઓ ઉપર અંકુશ આવતો ન હોવાનું જણાય છે ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી કઈઇ ટીમે દરોડો પાડી આણંદપુર વિસ્તાર માંથી 5.94 લાખના ચપલા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે આણંદપુર ગામની સીમમાં આરોપીએ પોતાની વાડી પાસે જમીનમાં ખાડો કરી ગેરકાયદેસર દારૂ છુપાવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જમીનમાં દાટીને સંતાડેલા 180 એમ.એલ. ના પ્લાસ્ટિકના સીલબંધ 2160 નંગ ચપલા મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ. 5,94,000/- આંકવામાં આવી છે.પોલીસે આ મામલે શાહીલભાઇ ઇદ્રીશભાઇ ભટ્ટી રહે. આણંદપુર, તા. ચોટીલા વાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ સિવાય તપાસ દરમિયાન અન્ય જે પણ શખ્સોના નામ ખુલશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં કઈઇ પી.આઈ. જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ, દેવરાજભાઈ અને કોન્સ્ટેબલ વજાભાઇ તથા મેહુલભાઇ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. કડક જિલ્લા પોલીસ વડા હોવા છતા પવિત્ર યાત્રાધામ પંથકમાં અનેક બદીઓ ઘર કરી ગયેલ હોવાની બૂમરેણ છે. જેમા દેશી, ઇગ્લીશ દારુ ના હાટડાઓ, વરલી મટકા અને જુગાર તેમજ કેટલીક હોટલ ગેસ્ટ હાઉસમાં ચાલતા કુટણખાના જેવા હાટડાઓ આ પંથકની ગરીમા ઉપર ડાઘ બેસાડતાં હોવાનું લોકોમાં ચર્ચાય છે. છેલ્લા કેટલાક સમય થી ટેબલ ઉપરની માસ્ટરી ધરાવનારા માહિરો અને બુટલેગરો ની સીન્ડીકેટ થકી સમગ્ર નેટવર્ક ચાલતું હોવાની પણ લોકોમાં ચર્ચા છે. જિલ્લા પોલીસ વડા પોતાના વિશ્ચાસું માણસો દ્વારા ખાનગી રાહે તપાસ કરાવી યાત્રાધામની ગરીમા બચાવે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે.

Exit mobile version