આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ રદ કરવા માટે રાજકોટ એઈમ્સના પાંચ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગયા મહિને છેલ્લા વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરતા તેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટ પણ લખી હતી.
ગત મહિને એમબીબીએસના પાંચ વિદ્યાર્થીઓ પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના રતન કુમાર મેઘવાલ તેમનો ક્લાસમેટ હતો અને 14મી માર્ચે તેણે આપઘાત કર્યું હતું. ત્યારબાદ આ પાંચેય વિરુદ્ધ બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધાયો હતો.
કથિત આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમણે એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી રજૂઆત કરવામાં આવી હતી કે મૃતક વિદ્યાર્થીએ ત્રણ સુસાઈડ નોટ લખી હતી. જેમાંથી બે નોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંસ્થાના ફેકલ્ટી સભ્યોને મોકલવામાં આવી હતી. જ્યારે કે ત્રીજી નોટ રેલ્વે ટ્રેક પાસે તેના મૃતદેહ નજીક પડેલી બેગમાંથી મળી આવી હતી. આરોપી વિદ્યાર્થીઓએ તેની સાથે એક મહિનાથી વધુ સમયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. કારણ કે મેઘવાલે 27 જાન્યુઆરીએ તેની પ્રથમ સુસાઈડ નોટ શેર કરી હતી અને બીજા દિવસે તે રાજકોટમાં રેલ્વે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.
મૃતક વિદ્યાર્થીની મેડિકલ ટ્રીટમેન્ટનો ઉલ્લેખ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે તે સ્ક્રિઝોફેનિયાથી પીડાતો હતો અને તેની એક સુસાઈડ નોટમાં એક છોકરીના નામનો પણ ઉલ્લેખ હતો. પોલીસ સમક્ષ મેઘવાલના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે એક મહિનાથી આ પાંચ વિદ્યાર્થીઓ સાથે વાત કરી નહોતી.
રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે એફઆઈઆરમાં પ્રથમ સુસાઈડ નોટનો ઉલ્લેખ છે. જેમાં મૃતક વિદ્યાર્થીએ લખ્યું હતું કે એક દિવસ પહેલાં આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર મૃતક વિદ્યાર્થીના પિતાને નોટિસ પાઠવી છે.

