અમરેલીની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા વિધાસભા સંકુલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સંસ્થાના નિયામક ગીરીશ ભીમાણી વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ચલાવવામાં આવેલા ઉગ્ર આંદોલનને મોટી સફળતા મળી છે. વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપોના પગલે ટ્રસ્ટી મંડળે મોટો નિર્ણય લેતા ગીરીશ ભીમાણીને સંસ્થાની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધા બાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેના પ્રવાસ દરમિયાન નિયામક ગીરીશ ભીમાણીએ એક વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનો મામલો સામે આવતા વિદ્યાર્થી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ABVPદ્વારા નિયામક સામે પોલીસ ફરિયાદ અને કડક પગલાંની માંગ સાથે સંસ્થાના પટાંગણમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી આજે વિધાસભા ટ્રસ્ટી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં અને સંસ્થાની ગરિમા જાળવવા માટે કેટલાક નિર્ણયો લેવાયા: હતા જેમાં ગીરીશ ભીમાણીને વિધાસભા કોલેજ અને સંસ્થાની તમામ પ્રકારની સંપૂર્ણ જવાબદારીઓમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે. બેઠક પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી મંડળના સભ્યો અને અઇટઙના કાર્યકર્તાઓ સીધા અમરેલી સીટી પોલીસ મથકે પહોંચ્યા હતા.
જ્યાં ટ્રસ્ટ દ્વારા ગીરીશ ભીમાણી વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આ કેસની તપાસમાં સંસ્થા પ્રશાસન સંપૂર્ણ સાથ-સહકાર આપશે. અઇટઙના હોદ્દેદારોએ આ નિર્ણયને ન્યાયની જીત ગણાવી છે. ટ્રસ્ટી મંડળના આ કડક વલણ બાદ વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં પણ સુરક્ષાનો વિશ્વાસ જોવા મળ્યો છે. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.

